હું આત્મસન્માન વિરુદ્ધ કામ કરી શકુ નહીં, બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસે ચાલુ કોર્ટમાં જ રાજીનામું આપ્યું,

બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ રોહિત બી. દેવે હાઈકોર્ટમાંથી રાજીનામું આપી દીધું છે. કોર્ટમાં એક કેસની સુનાવણી દરમ્યાન તેમણે રાજીનામું આપ્યું અને કહ્યું કે હું આત્મસન્માન વિરુદ્ધ કામ કરી શકુ નહીં. જોકે, રાજીનામાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કદાચ આ પ્રકારની ઘટના પ્રથમ વાર બની હશે કે જ્યારે કોઈ ન્યાયાધીશે ઓપન કોર્ટમાં જ રાજીનામું આપવાની જાહેરાત કરી હોય. તમને જણાવી દઈએ કે, તેઓ 4 ડિસેમ્બર, 2025ના રોજ બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે નિવૃત્ત થવાના હતા.
બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચના જસ્ટિસ રોહિત બી. દેવે ઓપન કોર્ટમાં રાજીનામું આપ્યું અને માફી પણ માંગી હતી. તેમણે કહ્યું કે મારા મનમાં કોઈના માટે કડવાશ નથી. જો મેં કોઈને દુઃખ પહોંચાડ્યું હોય અથવા મારા શબ્દો કે કાર્યથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો તેના માટે હું માફી માંગુ છું. જસ્ટિસ રોહિત દેવ અનેક મહત્ત્વના કેસોની સુનાવણી કરતી બેન્ચનો ભાગ રહી ચૂક્યા છે.
જસ્ટિસ રોહિત દેવને 2017માં બોમ્બે હાઈકોર્ટ જસ્ટિસ બન્યા હતા. ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક પહેલા તેઓ રાજ્યના એડવોકેટ જનરલ હતા. તેમણે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચમાં એડિશનલ સોલિસિટર જનરલ તરીકે પણ કામ કર્યું છે.










