
તા.૧૯/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
મતદારયાદીમાં સુધારા વધારા માટે તા.૨૧/૦૭/૨૦૨૩ થી તા.૨૧/૦૮/૨૦૨૩ સુધી ચાલશે વેરીફિકેશન કાર્યક્રમ
ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ–૨૦૨૪ના અનુસંધાને હાઉસ ટુ હાઉસ વેરીફિકેશન કાર્યક્રમ રાજકોટ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ શરૂ થનાર છે. જે અન્વયે મતદારયાદીની હાઉસ ટુ હાઉસ વેરીફિકેશનની કામગીરી સચોટ, ચોક્કસ અને પરિણામલક્ષી થાય તે હેતુસર જેતપુર તાલુકાના તમામ બૂથ લેવલ ઓફિસર્સશ્રીઓ અને સુપરવાઈઝર્સશ્રીઓ માટે ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ ૭૪ – જેતપુર વિધાનસભા મતદાર વિભાગનાં મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી અને જેતપુર મામલતદારશ્રી ડી.એ.ગીનીયા, મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી અને જેતપુર સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટશ્રી એ.એસ.ચૌધરીનાં અધ્યક્ષ સ્થાને જી.કે. એન્ડ સી.કે. બોસમીયા કોલેજ, જેતપુર ખાતે યોજાઈ હતી.

આ તકે શ્રી ડી. એ. ગીનીયા અને શ્રી એ.એસ.ચૌધરીનાં જણાવ્યાનુસાર, હાઉસ ટુ હાઉસ વેરીફિકેશનમાં બી.એલ.ઓ.શ્રી તેમના ભાગમાં આવતા વિસ્તારના તમામ ઘરોની મુલાકાત કરી મતદારની વિગતો બરાબર છે કે નહિ? તેની ચકાસણી કરશે. જો વિગતો બરાબર નહિ હોય તો સુધારા વઘારા માટેના ફોર્મ જરૂરી આધાર પુરાવા લઈ ભરી આપશે. મુલાકાત દરમિયાન જો કોઈ મતદારનું અવસાન થયેલ હશે કે મતદાર કાયમી સ્થળાંતર થયેલ હશે તો જરૂરી આધાર પુરાવાઓ મેળવી નામ કમી કરવાની કાર્યવાહી પણ સ્થળ પર જ કરી આપશે. ૧૮ વર્ષ પૂર્ણ કરેલા નવા મતદારોના જરૂરી આધાર પુરાવાઓ મેળવી મતદારયાદીમાં નામ દાખલ કરી ભાવિ મતદારોની યાદી બનાવશે તથા તેમના મતદાર યાદીના વિસ્તારમાં જો કોઈ નવી સોસાયટી કે એપાર્ટમેન્ટ બનેલ હશે તો તેની પણ યાદી બનાવશે.

આ તાલીમમાં જેતપુર વિધાનસભા વિસ્તારનાં ૨૨૧ બુથ લેવલ ઓફિસર તથા ૨૦ જેટલા સુપરવાઈઝરને બી.એલ.ઓ ઈ – રોલ એપ અને બી.એલ.ઓ એપ, જરૂરી ફોર્મ ભરવાની પ્રક્રિયા સહિતની જરૂરી બાબતે ૭૪ – જેતપુર વિધાનસભા મતદાર વિભાગનાં મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી અને જેતપુર મામલતદારશ્રી ડી.એ.ગીનીયા, મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી અને જેતપુર સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટશ્રી એ.એસ.ચૌધરી, મતદારયાદીનાં નાયબ મામલતદારશ્રી કે.યુ.જાડેજા, શ્રી ડી.એલ.પાદરીયા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ચૂંટણીપંચ, નવી દિલ્હી તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર તરફથી તા.૦૧/૦૧/૨૦૨૪ની લાયકાત અનુસાર “ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ–૨૦૨૪” તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે તા.૨૧/૦૭/૨૦૨૩ થી તા.૨૧/૦૮/૨૦૨૩ સુધી હાઉસ ટુ હાઉસ વેરીફિકેશન કાર્યક્રમ શરૂ થનાર છે.








