DEVBHOOMI DWARKADWARKA

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંભવિત વાવાઝોડા પૂર્વે જિલ્લા પ્રશાસન દ્વારા થઈ રહેલી તકેદારીની કામગીરીની સમીક્ષા કરતા ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ  સંઘવી

બિપરજોય” વાવાઝોડાના સંકટને લઈને ઝીરો કેઝ્યુઆલટીના અભિગમથી કામગીરી કરીએ: ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

***

વાવાઝોડા બાદ યુદ્ધના ધોરણે રિસ્ટોરેશન થઈ શકે તે રીતે  આયોજનબદ્ધ કામગીરી કરવા અધિકારીશ્રીઓને તાકીદ કરાઈ

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

ભારતીય હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા “બિપરજોય” અંગે આગાહી કરવામાં આવી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ કલેક્ટર ઓફિસ, ખંભાળિયા ખાતે તમામ  સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે વાવાઝોડા પૂર્વેની સલામતી અને બચાવ રાહતની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજી હતી.

ગૃહ રાજ્યમંત્રીશ્રીએ તમામ અધિકારીશ્રીઓ પાસેથી વાવાઝોડા સંદર્ભે પૂર્વ તૈયારીઓની અંગેની  વિગતો જાણીને ઝીરો કેઝ્યુઆલટીના અભિગમ સાથે કામગીરી કરવા માટે આદેશ આપ્યો હતો.  ખાસ કરીને પ્રાથમિક જરૂરિયાત જેવી કે વીજળી, પાણીની વિતરણની સુવિધા અને કમ્યુનિકેશન નેટવર્ક વહેલીતકે ફરીથી સ્થાપિત થઈ શકે તે બાબતની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.

દરિયાકાંઠાના નજીકના વિસ્તારોમાં નાગરિકોના સ્થળાંતરની પ્રક્રિયા તુરંત કરવા અને શેલ્ટર હોમમાં તમામ જીવન જરૂરિયાતની સુવિધાઓ ઉપલબ્ધ કરવા અંગે તકેદારી રાખવા જણાવ્યું હતું. આ સિવાય જિલ્લામાં આરોગ્ય સેવા સુદ્રઢ રહે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવા માટે જણાવ્યું હતું.

દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહીના પગલે પોલીસ વિભાગ  સતત પેટ્રોલિંગ કરીને કોઈ જ વ્યક્તિ દરિયાકાંઠે ના જાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત માઈક સાથેના વાહનોની મદદથી કાંઠાના વિસ્તારોમાં પ્રચાર-પ્રસાર કરી નાગરિકોને જાગૃત કરવા જણાવ્યું હતું.

નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓમાં દોરાયા વગર સરકારી તંત્ર દ્વારા સમયાંતરે અપાતી સૂચનાઓનું પાલન કરવા તેમજ દેવભૂમિ દ્વારકા  કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર હોય ત્યારે સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે જિલ્લા તથા અન્ય સ્થળેથી  નાગરિકો ૧૬ જૂન સુધી દ્વારકાના પ્રવાસે આવવાનું ટાળવા લોકોને અપીલ કરી છે.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.ડી.ધાનાણી, એસ.પી.શ્રી નિતેશ પાંડેય, ડીવાયએસપીશ્રી પરમાર, નિવાસી અધિક કલેકટરશ્રી ભૂપેશ જોટાણીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મયુર ગઢવી, અગ્રણીશ્રી રસિકભાઈ નકુમ, પ્રતાપભાઈ પિંડારિયા, સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button