GUJARAT

*’વિશ્વ સ્તન કેન્સર જાગૃતિ માહ’*

*’વિશ્વ સ્તન કેન્સર જાગૃતિ માહ’*

*મહિલાઓ સ્તન કેન્સર અંગે જાગૃત બને તે માટે જામનગરની કેન્સરગ્રસ્ત મહિલાઓએ જણાવ્યા પોતાના અભિપ્રાયો*

*૪૫ વર્ષની ઉંમર બાદ કેન્સરના કોઈ જ લક્ષણ કે તકલીફ ન હોય તેમ છતાં વર્ષમાં એકવાર અચૂક કેન્સર અંગેની તપાસ કરાવવી જરૂરી – પ્રતિભાબેન રાખોલીયા*

*જો મેં સમયસર ચેક અપ ન કરાવ્યુ હોત તો મને તાત્કાલિક સારવાર ન મળી હોત અને આજે મારી સ્થિતિ કદાચ વધુ ગંભીર હોત – શિલ્પાબેન ઠક્કર*

જામનગર (નયના દવે)

સમગ્ર વિશ્વમાં ઓક્ટોબર માસને ‘સ્તન કેન્સર જાગૃતિ માહ’ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણી પાછળ બે મહત્વના કારણો જોડાયેલા છે. એક તો સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહેલું પ્રમાણ ઘટાડવુ અને બીજુ મહિલાઓમાં સ્તન કેન્સર અંગેનો શરમ અને સંકોચ દુર કરવો. જામનગરના કેન્સર ગ્રસ્ત થયેલ બે મહિલાઓએ આ અંગે પોતાના અભિપ્રાયો આપી મહિલાઓ કેન્સર અંગે જાગૃત બને તે માટે પ્રેરક માગદર્શન તથા અનુરોધ સહ વિવિધ સુચનો આપ્યા છે.

જામનગરની જી.જી.હોસ્પિટલમાં કેન્સર અંગેની સારવાર લઈ રહેલા પ્રતિભાબેન રાખોલીયા જણાવે છે કે હાલ હું કેન્સરગ્રસ્ત છું અને મારી સારવાર ચાલી રહી છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં હાલ સ્તન કેન્સરના કેસો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે ત્યારે તમામ બહેનોને મારી વિનંતી છે કે ૪૫ વર્ષની ઉંમર બાદ તમારામાં કેન્સરના કોઈ જ લક્ષણ ન હોય કે કોઈ જ તકલીફ ન હોય તેમ છતાં વર્ષમાં એકવાર અચૂક કેન્સર અંગેની મેમોગ્રાફી તપાસ કરાવે. વહેલાસર તપાસ કરાવીએ તો વહેલું નિદાન શક્ય બને અને ઝડપથી આ રોગમાંથી મુક્તિ મેળવી શકાય. શરૂઆતમાં મારા મનમાં પણ તપાસ કરાવવા અંગે ખચકાટ અને ભય હતો પરંતુ તબીબી અભ્યાસ કરતા મારા પુત્રના કહેવાથી મેં મેમોગ્રાફી તપાસ કરાવી અને મને ફર્સ્ટ સ્ટેજનું કેન્સર ડિટેક્ટ થયું. પરંતુ આજે હું એટલી જ ખુશ છું કે મે સમયસર તપાસ કરાવી તો પ્રારંભિક તબક્કામાં જ મારા કેન્સરનુ નિદાન થયુ અને મને તાત્કાલિક સારવાર મળી તેમજ હું આગળના તબક્કાઓની ગંભીર અસરોથી બચી શકી.

કેન્સરની આગળની સારવાર ખૂબ જ અઘરી, ખુબ જ ખર્ચાળ અને સાથે જીવના જોખમ ભરેલી છે. તેમજ જો તાત્કાલિક સારવાર કરવામાં ન આવે તો તે શરીરના બીજા ભાગોમાં પણ ફેલાઈ શકે છે. માટે સમયસર તપાસ એજ કેન્સરથી બચવાનો એક માત્ર ઉપાય છે. જો કેન્સર ડિટેક્ટ થાય તો જી.જી.હોસ્પિટલમાં આ અંગેની સારવાર પણ એટલી જ સારી રીતે આપવામાં આવે છે અનેક મહિલાઓ અહીં કેન્સર મુક્ત થઈ પોતાનું આગળનું જીવન સુખેથી વિતાવી રહી છે.

૧૨ વર્ષ અગાઉ સારવાર લઈ કેન્સર મુક્ત થયેલા જામનગરના શિલ્પાબેન ઠક્કર જણાવે છે કે આ રોગની વરવી વાસ્તવિકતા એ છે કે વ્યક્તિ કેન્સરગ્રસ્ત હોવા છતાં આ અંગેની જલ્દીથી એને જાણ થતી નથી અને જો સમય વધુ વીતી જાય તો આગળ જતા સ્થિતી ખુબજ વિકટ બની જાય છે. મને પણ બધું એકદમ સામાન્ય જ લાગતું હતું પરંતુ તપાસ કરાવી અને જણાયું તો મને ફર્સ્ટ સ્ટેજનું કેન્સર છે. કેન્સરનુ નિદાન થતા તુરંત જ મારી સારવાર કરાઈ અને આજે હું સંપૂર્ણપણે કેન્સર મુક્ત અને એકદમ સ્વસ્થ છુ. શિલ્પાબેન વધુમાં જણાવે છે કે કેન્સરથી ડરવાની બિલકુલ જરૂર નથી શરીરની જાતે જ કાળજી લઈ ડર કે શરમ રાખ્યા વગર રૂટીન મેમોગ્રાફી સહિત ચેકઅપ કરાવતા રહો. મેં પણ જો તાત્કાલિક સમયસર ચેક અપ ન કરાવ્યુ હોત તો મને સમયસર સારવાર ન મળી હોત અને આજે મારી સ્થિતિ કદાચ વધુ ગંભીર હોત.

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરની જી.જી. હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં ખૂબ જ નજીવા દરે અત્યંત આધુનિક ટેકનોલોજી ધરાવતા મેમોગ્રાફી મશીનની સુવિધા ઉપલબ્ધ છે. આ મશીન ખૂબ જ બારીક પ્રકારનુ સ્તન કેન્સર પકડવા પણ સક્ષમ છે. મેમોગ્રાફી તપાસનો ભાવ સરકાર દ્વારા માત્ર ૩૦૦ રૂપિયા નક્કી કરવામાં આવેલ છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં આ ચાર્જ બે થી ત્રણ હજાર જેટલો ચૂકવવો પડતો હોય છે.
000000
આલેખન-વિરેન્દ્રસિંહ પરમાર

વીડિયો-અનવરભાઈ સોઢા

જિલ્લા માહિતી કચેરી જામનગર

@_________________

BGB

gov.accre. Journalist

jmr

8758659878

[wptube id="1252022"]
Back to top button