રૂપિયા ૧૦૪.૬૯ લાખના ખર્ચે બનનારા ચાર પેટા આરોગ્ય કેન્દ્રનું ભૂમિ પૂજન કર્યું
સણખલા, કાટકોલા, આંબરડી તથા ઢેબર-૨ પેટા આરોગ્ય કેન્દ્રનું આંબરડી ખાતે બિલ્ડીંગના નિર્માણ

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ ભાણવડ તાલુકાના આંબરડી ગામ ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનું ભૂમિ પૂજન કર્યું હતું. આ ઉપરાંત પેટા આરોગ્ય કેન્દ્ર ઢેબર-૨, પેટા આરોગ્ય કેન્દ્ર કાટકોલા તથા પેટા આરોગ્ય કેન્દ્ર સણખલાનું પ્રતિક રૂપે ભૂમિપૂજન કર્યું હતું. અંદાજે રૂપિયા ૧૦૪.૬૯ લાખના ખર્ચે બનનારા ચારેય પેટા કેન્દ્ર સણખલા, કાટકોલા, આંબરડી તથા ઢેબર-૨ પેટા આરોગ્ય કેન્દ્રનું આંબરડી ખાતે બિલ્ડીંગના નિર્માણ બાદ દર્દીઓને આરોગ્ય લક્ષી સેવાઓ મળી રહેશે.
આ તકે પ્રવાસન અને વન મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારી જળવાઈ રહે તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ સતત એક્ટિવ છે. છેવાડાના ગામડાઓમાં નાગરિકોને શિક્ષણ, રસ્તા, આરોગ્ય, પાણી જેવી પાયાની સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે વર્તમાન સરકાર કટિબદ્ધ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં તમામ ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે તેમ મંત્રીશ્રીએ જણાવી આરોગ્યના કર્મચારીઓ તથા ગ્રામજનોને શુભેચ્છા પાઠવી આ તકે ગ્રામજનોના પ્રશ્નો પણ સાંભળ્યા હતા.
આ તકે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.મિતેશ ભંડેરીએ ચારેય પેટા આરોગ્ય કેન્દ્રની રૂપરેખા આપી હતી.
અગ્રણીશ્રી હમીરભાઇ કનારાએ જણાવ્યું હતું કે, મંત્રીશ્રી મુળુભાઈ બેરા ભાઈએ શિક્ષણ અને આરોગ્યને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. ચારેય ગામમાં નવા પેટા આરોગ્ય કેન્દ્ર બનશે જેથી આરોગ્યની સુખાકારી જળવાઈ રહેશે. અને દર્દીઓને સ્થાનિક કક્ષાએ ઉત્તમ સારવાર અને સુવિધા મળશે.
આ તકે અગ્રણી ગોવિંદભાઈ કનારા, કાનાભાઈ, દેવશીભાઈ કરમુર સહિત અગ્રણીઓ, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી, મેડિકલ ઓફિસર સહિત આરોગ્ય કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.









