
1973માં, પ્રસિદ્ધ ડાયરેક્ટર ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ‘નમકહામ’ આવી હતી. તેમાં રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, રેખા વગેરે કલાકારો હતા. નમકહરામ એટલે જેનું અનાજ ખાધું હોય તેનો દ્રોહ કરવો ! કૃતઘ્ન. બેવફા.
ગુજરાત સમાચારે 15 મે 2024ના રોજ પ્રથમ પેજ પર સમાચાર ચમકાવ્યા છે. આઠ કોલમમાં શીર્ષક છે : ‘‘મારા ઘેર ઈદ ઊજવાતી, મુસ્લિમોના ઘેર સેવૈયા ખાતો : મોદી !’ સવાલ એ થાય કે નાનપણમાં મોદીજીના ઘરમાં ઈદ ઊજવાતી હોય; મુસ્લિમોના ઘેર સેવૈયા ખાધા હોય તો મુસ્લિમો પ્રત્યે હદ બહારની નફરત/ ધૃણા/ તિરસ્કાર શામાટે? ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સૂત્ર આપેલ કે ‘હમ પાંચ હમારે પચ્ચીસ !’ મતલબ કે એક મુસ્લિમને ચાર પત્નીઓ અને તેમના 25 સંતાનો ! આ સૂત્ર મુસ્લિમ સમુદાયની બદનક્ષી કરનારું/ અપમાન કરનારું હતું ! ‘મીયાં મુશરફ ! મીયાં મુશરફ !’ કહીને મુસ્લિમ સમુદાયને કોથળામાં પાંચ શેરીથી ફટકારતા હતા ! લોકસભા ચૂંટણી-2024ના પ્રચાર દરમિયાન તો વડાપ્રધાને હદ કરી નાખી ! તેમણે કહ્યું કે ‘કોંગ્રેસ મહિલાઓના મંગળસૂત્ર આંચકીને મુસ્લિમોને વહેંચી દેશે ! કોંગ્રેસ તમારી બે ભેંસમાંથી એક ભેંસ છીનવી લેશે ! કોંગ્રેસ તમારી સંપત્તિ છીનવીને જાજા બાળકો વાળાને અને ઘૂસપેઠિયાઓને વહેંચી દેશે !’ વડાપ્રધાન કોંગ્રેસની રીમાન્ડ લે તેની સામે વાંઘો ન હોય, પરંતુ તે માટે મુસ્લિમ સમુદાય પ્રત્યે શામાટે નફરત પેદા કરવી જોઈએ? મુસ્લિમોના ઘેર સેવૈયા ખાધા હોય તે ભૂલી જવાનું? આટલી નમકહરામી કેમ?
શું મુસ્લિમ નફરત પર જ વડાપ્રધાનની/ RSSની રાજનીતિ વિકસિત થઈ નથી? બિલ્કીસ બાનોની બાળકી તથા તેમના કુટુંબીજનોની સામૂહિક હત્યા કરનારા/ બળાત્કારીઓને જેલમુક્ત કર્યા અને ફૂલહાર-તિલકથી સ્વાગત થયું ત્યારે જો મુસ્લિમોના ઘેર સેવૈયા ખાધા હોય તો બોલે નહીં? 2002ના કોમી તોફાનોમાં ગુજરાતમાં 2000 નિર્દોષ લોકોની હત્યાઓ થઈ, તેમાં મોટાભાગના મુસ્લિમો હતા; જો મુસ્લિમોના ઘેર સેવૈયા ખાધા હોય તો આવી હત્યાઓ થવા દે? મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવી OBC/દલિત/આદિવાસીઓ પાસે મુસ્લિમોની હત્યાઓ કરાવી તેમને જેલમાં પૂરી પોતે સત્તાના સિંહાસને ચડી ગયા ! હવે કહે છે કે હું તો મુસ્લિમોના ઘેર સેવૈયા ખાતો હતો !
ઉત્તરપ્રદેશ અને બિહારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મતદારો છે; તેમના મત લેવા વડાપ્રધાન સેવૈયાનું જૂઠ મુસ્લિમો પીરસે છે ! 4 જૂન 2024ના રોજ, લોકસભાની ચૂંટણીનું પરિણામ આવશે; મોદીજી ફરી વડાપ્રધાન બનશે તો મુસ્લિમોએ ધૃણા સહન કરવા તૈયાર રહેવાનું છે ! ફરી મુસ્લિમોને ઘૂસપેઠિયા કહેશે ! ફરી મુસ્લિમોને જાજા બાળકો વાળા કહેશે ! ફરી ‘હમ પાંચ હમારે પચ્ચીસ’ કહીને મુસ્લિમોની ઠેકડી ઉડાડશે ! ચેતવાની જરુર છે મુસ્લિમોએ અને ભક્તોએ ! ક્યારે કાચીંડો રંગ બદલે તેની આગાહી થઈ શકે તેમ નથી !rs

[wptube id="1252022"]