શિવા ગામ ખાતે વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઇ બેરા અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
સામાજિક વનીકરણ રેન્જ ભાણવડ અને શિવા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે શિવા ગામ ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, વન અને પર્યાવરણ અને કલાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ તેમજ શિવા ગામના નવનિર્મિત ગેટનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, શિવા ગામના દરેક વ્યક્તિ ગામના વિકાસ માટે હંમેશા હાજર રહ્યા છે. ગુજરાત સરકારના ક્લીન ગુજરાત, ગ્રીન ગુજરાતના અભિગમને સાર્થક કરતા આજરોજ શિવા ગામમાં ૫ હજાર જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શિવા ગામની આ પહેલને અનુલક્ષીને આજુ બાજુના ગામ પણ વૃક્ષોનું વાવેતર કરીને આપણા વિસ્તારને હરિયાળો બનાવ્યે તેમજ દરેક વ્યક્તિ વૃક્ષ વાવી તેનું જતન કરે તેવી અપીલ કરી હતી.
આ તકે જિલ્લા પંચાયત સદસ્યશ્રી કે. ડી. કરમુર, ભાણવડ તાલુકા પંચાયત પ્રમુખશ્રી માલદેભાઈ રાવલિયા, શિવા ગ્રામ પંચાયત સરપંચના પ્રતિનિધિશ્રી લખમણભાઈ રાવલિયા, ભાણવડ તાલુકા વિકાસ અધિકારીશ્રી કે.આર.ચુડાસમા, અગ્રણીઓ સાજણભાઈ રાવલિયા, હમીરભાઇ કનારા, રામશીભાઈ મારું સહિત વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.









