
મેડીકલ કેમ્પમાં કુલ ૧૫૩ કર્મચારી/અધિકારીશ્રીના આરોગ્યની તપાસ કરવામાં આવી
***
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેકટરશ્રીના માર્ગદર્શનથી સેવા સદન ખાતેની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ અધિકારીશ્રીઓની આરોગ્ય તપાસ માટેનો મેડીકલ કેમ્પ યોજવામાં આવેલ હતો. મેડીકલ કેમ્પમાં કુલ ૧૫૩ કર્મચારી/અધિકારીશ્રીના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જેમાં ૨૦ કર્મચારીઓનું ડાયાબીટીશ અને ૧૭ કર્મચારીઓનું બ્લડ પ્રેસર પ્રાથમિક ધોરણે વધારે જોવા મળેલ હતું,જે કર્મચારીઓને આગળની સારવાર માટે જીલ્લા હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા, જયારે ૧૮ મહિલા કર્મચારીઓનું હિમોગ્લોબીન સામાન્ય કરતા ઓછુ જોવા મળેલ હતું. ડાયાબીટીશ અને હાયપરટેન્શનની સારવાર ચાલુ હોય તેવા ૮ કર્મચારીઓ જોવા મળ્યા હતા.
આ કેમ્પમાં ડાયાબીટીશ અને બ્લડ પ્રેસર જેવા રોગોને નિયત્રણમાં રાખવા અને અટકાવવા માટે દરરોજ ૩૦ મિનીટથી વધુ શારીરિક પ્રવૃત્તિ કરવી, યોગ, પ્રાણાયમ કરવા નિયમિત ભોજનમાં મીઠાનો ઓછો ઉપયોગ કરવો, વ્યસન ન કરવું, તેલ વાળી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો, વજનને નિયત્રણમાં રાખવું વગેરે આરોગ્યલક્ષી માર્ગદર્શન આપી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. દરેક વ્યક્તિએ વર્ષમાં એક વખત બ્લડ પ્રેસર અને ડાયાબીટીશની તપાસ કરાવવા અને જરૂરિયાત મુજબની કાળજી રાખવા યાદીમાં જણાવાયું છે.









