મોરબી: હળવદના ઢવાણા ગામના અરજદારના પ્રશ્રનું નિરાકરણ લાવી આંગણામાંથી ઇલેકટ્રીક થાંભલો દુર કરાયો

મોરબી: હળવદના ઢવાણા ગામના અરજદારના પ્રશ્રનું નિરાકરણ લાવી આંગણામાંથી ઇલેકટ્રીક થાંભલો દુર કરાયો
“સ્વાગત કાર્યક્રમની તો મને ખબર ન પડે પણ અમારા જેવા નાના માણસોના પ્રશ્નોને ધ્યાને લઈ તેનું નિરાકરણ કરવામાં આવે છે તે મહત્વનું”અરજદાર વેરસીભાઇ વેલાભાઇ કુંભાર
મોરબી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં હળવદ તાલુકાના ઢવાણા ગામના અરજદારશ્રી વેરસીભાઇ વેલાભાઇ કુંભારના તેમના રહેણાંકના મકાનના દરવાજાની વચ્ચે આવેલ ઇલેકટ્રીક થાંભલો દૂર કરવા બાબતના પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

તેમના પ્રશ્નનો હકારાત્મક નિકાલ થતા હર્ષભેર વેરસીભાઈ જણાવે છે કે, “મારા આંગણામાં આવવા જવામાં નડતરરૂપ બને એવી જગ્યાએ બરોબર વચ્ચે થાંભલો હતો. આ થાંભલો હટાવવો ખૂબ જરૂરી હતો. આ થાંભલો હટાવવા માટ મે પેલા સ્થાનિક કક્ષાએ રજૂઆત કરી હતી પણ તેમણે રજૂઆત ધ્યાને ન લેતા આ પ્રશ્ન સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવ્યો હતો જેમાં કલેક્ટરશ્રીની સુચના અનુસાર મારા આંગણામાંથી એ નડતરરૂપ થાંભલો હટાવી દેવામાં આવ્યો છે. જેથી હું કલેક્ટરશ્રી અને સરકારનો આભારી છું. આ સ્વાગત કાર્યક્રમ શું કહેવાય એની તો મને ખબર ન પડે પણ જે હોય અમારા જેવા નાના માણસોના નાના-મોટા પ્રશ્નોને ધ્યાને લઈ તેનું નિરાકરણ કરવામાં આવે છે તે મહત્વનું છે”.
ગત ૨૨/૦૬/૨૦૨૩ના રોજ જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે યોજાયેલ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લાના કુલ ૯ જેટલા પ્રશ્નો રજુ થયા હતા જે તમામ પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં હળવદ તાલુકાના ઢવાણા ગામના અરજદારશ્રી વેરસીભાઇ વેલાભાઇ કુંભાર દ્વારા તેમના રહેણાંકના મકાનના દરવાજાની વચ્ચે આવેલ ઇલેકટ્રીક થાંભલો દૂર કરવા બાબતનો પ્રશ્ન રજુ કર્યો હતો. અરજદારશ્રી દ્રારા ઇલેક્ટ્રીક થાંભલો દૂર કરવા માટે પી.જી.વી.સી.એલ કચેરી હળવદને અવાર-નવાર રજુઆત કરી હતી તેમ છતાં આ પ્રશ્ન પ્રત્યે કોઇ ધ્યાન ન આપતા જિલ્લા સ્વાગતમાં આ પ્રશ્ન લેવા રજુઆત કરવામાં આવી હતી. જે અન્વયે આ પ્રશ્ન જુન-૨૦૨૩ના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં લઇ સંબંધિત પી.જી.વી.સી.એલ. વિભાગને કલેકટરશ્રી દ્રારા તાત્કાલીક અરજદારશ્રીના પ્રશ્નનું નિરાકરણ કરવા જરૂરી સુચના આપતા પી.જી.વી.સી.એલ. વિભાગ દ્વારા અરજદારશ્રીના રહેણાંકના દરવાજા વચ્ચે આવેલ ઇલેકટ્રીક થાંભલો દૂર કરવામાં આવ્યો છે.









