
એટલે આવશે તો એ જ !
મિત્રથી રહેવાયું નહીં : “તમે મોદીનો અને અમિત શાહનો વિરોધ કેમ કરો છો? એણે તમારું શું બગાડ્યું છે? ભલે વિરોધ કરો આવશે તો એ જ !”
મેં કહ્યું : “હું વડાપ્રધાન અને ગૃહમંત્રીનો વિરોધ કરું છું. કેમકે વજાપ્રધાનનો હોદ્દો બંધારણીય છે. આ હોદ્દા પર રહીને સડક છાપ ભાષાનો પ્રયોગ કરી શકાય નહીં. ‘હિન્દુ મહિલાઓના મંગળસૂત્ર ઝૂંટવી મુસ્લિમોને વહેંચી દેશે/ તમારી બે ભેંસમાંથી એક ભેંસ કોંગ્રેસની સરકાર લઈ જશે/ તમારી મિલકત વધારે છોકરાવાળા મુસ્લિમોને વહેંચી દેશે;’ આ પ્રકારનું હડહડતું જૂઠ બોલી શકાય નહીં ! ગુજરાત CM હતા ત્યારથી જ ‘મિયાં મુશરફ’ના નામે કોથળામાં પાંચ શેરી રાખીને મુસ્લિમ સુદાયને ઠપકારતા હતા, પણ વડાપ્રધાન થયા છતાં એમની આ નફરત શાંત થઈ નથી. બંધારણના નામે શપથ લઈ વડાપ્રધાનનો હોદ્દો ગ્રહણ કર્યો; પરંતુ બંધારણીય મૂલ્યો પ્રત્યે જરા પણ આદર નથી/ કોઈ સિદ્ધાંત નહીં માત્ર સત્તા મેળવવી અને સત્તામાં ટકી રહેવા માટે પોતાને ગાળો આપનારને પણ ગળે લગાડે ! શ્રમિકો-કિસાનોની સુરક્ષા માટે નહીં પરંતુ અદાણી-અંબાણીના હિત માટે કાયદા બનાવે ! ગરીબ-મધ્યમ વર્ગની ચિતા કરવાને બદલે ડોનેશન આપનાર ધનવાનોની જ ચિંતા કરે ! BBC અને એમ્નેસ્ટી ઈન્ટરનેશન જેવી સંસ્થાઓનો વિરોધ કરે ! ગાંધીજીના હત્યારા ગોડસેને દેશભક્ત કહેનારને સંસદસભ્ય બનાવે ! અંગ્રેજો પાસેથી દર મહિને કલેક્ટરના પગાર જેટલું પેન્શન મેળવનાર સાવરકરને વીર ચીતરે ! દેશને ગૌરવ અપાવનાર મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનાર બ્રિજભૂષણસિંહને છાવરે ! મણણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ થાય-ગેંગ રેપ થાય છતાં ચૂપ રહે ! બળાત્કારીઓ-હત્યારાઓને જેલમુક્ત કરી તેમનું સ્વાગત થાય છતાં મૌન રહે ! ગુજરાતના CM હતા ત્યારે કહેલ કે દેશના વડાપ્રધાન નબળા હોય તો રુપિયો ડોલરના મુકાબલે ગગડતો જાય; પણ પોતાના 10 વરસના શાસનમાં રુપિયો સતત ગગડી રહ્યો છે ! 10 વરસના શાસનમાં ગરીબો/ મધ્યમ વર્ગને રાહત મળે તેવું એક પણ પગલું લીધું નથી ! અદાણી-અદાણીને ફાયદાઓ થાય તેવાં જ પગલાં લીધાં છે ! ગરીબો વધુ ગરીબો બન્યા અને ધનવાનો વધુ ધનવાનો બન્યા, તેવી નીતિ અપનાવી ! દેશમાં સરકારી શાળા/ કોલેજોની સ્થિતિ ભંગાર બની પણ પોતાના પક્ષના કાર્યાલયો ફઈવસ્ટાર હોટલ જેવાં બનાવ્યા ! વિશ્વની દ્રષ્ટિએ ભારતને ક્યાં પહોચાડ્યું ? Global Hunger Indexમાં 125 દેશોમાં ભારતનું સ્થાન 111નું છે ! World Happiness Report-2024 મુજબ 143 દેશોમાં ભારતનું સ્થાન 126મું છે ! World Press Freedom Indexમાં 180 દેશોમાં ભારતનું સ્થાન 161મું છે ! Gender Inequality Indexમાં 190 દેશોમાં ભારતનુ સ્થાન 113મું છે ! Freedom in the World 2024 મુજબ ભારતનું સ્થાન 66મું છે ! છતાં ‘વિશ્વગુરુ’નું તથા ‘વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો’નું અફીણ વડાપ્રધાન ભોળા લોકોને કેમ ચટાવે છે? લોકોને જૂઠ અને ભ્રમ સિવાય તેઓ કંઈ આપી શકતા નથી; અને નવનીત ધનવાનોને પીરસે છે; એટલે હું વડાપ્રધાનની આલોચના કરું છું. અમિત શાહ ફેઈક એન્કાઉન્ટર કેસમાં CBIએ તેમને જેલમાં પૂર્યા હતા; સાક્ષીઓને ફોડે તેમ હોવાથી તેમને સુપ્રિમકોર્ટે ગુજરાતમાંથી તડિપાર કર્યા હતા; વડાપ્રધાન આવી વ્યક્તિને દેશના ગૃહમંત્રીના હોદ્દા પર બેસાડે તે ઉચિત છે? અમિત શાહ પોતાના મતવિસ્તારમાં નકલી પોલિંગ બૂથ ઊભું કરાવી અસલી મતદારોને છેતરે છે/ લલચાવે છે/ ટોચના Notorious ગુંડાઓનો ઉપયોગ કરી મતદારોને ધમકાવે છે; ચૂંટણી આચાર સંહિતાનું વસ્ત્રાહરણ કરે છે; તેથી અમિત શાહની આલોચના કરું છું, આમાં ખોટું શું છે?”
મિત્ર ઉશ્કેરાયો : “એ બધું ઝૂઠ છે. આવશે તે એ જ !”
મેં કહ્યું : “સહમત. આવશે એ જ ! તેમનામાં ગાંધીજી કે રવિશંકર મહારાજ જેવા માણસાઈના ઉત્તમ ગુણો છે એટલે તેઓ ચૂંટઈને આવવાના નથી; પરંતુ બહુમતી હિન્દુઓમાં મુસ્લિમો પ્રત્યે ધૃણા ભરી દીધી છે એટલે તેઓ ચૂંટાઈ આવશે ! બેઠક દીઠ 50-100 કરોડનો ખર્ચ કર્યો છે એટલે તેઓ ચૂંટાઈ આવશે ! વિપક્ષને મત આપતા મતદારોને રોકવાનું ભગીરથ કામ કર્યું છે એટલે તેઓ ચૂંટાઈ આવશે ! દેશને આર્થિક ખાડામાં નાખી ધાર્મિકસ્થળોનો વિકાસ કર્યો એટલે તેઓ ચૂંટાઈ આવશે ! ચૂંટણી પ્રચાર દરમિયાન બેરોજગારીનો ‘બ’ કે મોંઘવારીનો ‘મ’ બોલ્યા નથી, મહિલા સુરક્ષાનો ‘સ’ બોલ્યા નથી, શિક્ષણને ‘શ’ બોલ્યા નથી, આરોગ્યનો ‘અ’ બોલ્યા નથી એટલે તેઓ ચૂંટાઈ આવશે ! લોકો મૂરખ નથી પણ ધર્મના નશામાં ભ્રમિત બની ગયા છે એટલે આવશે તો એ જ ! ચૂંટણીપંચ જાણે સત્તાપક્ષની પાંખ હોય તે રીતે સેવા કરે એટલે તેઓ ચૂંટાઈ આવશે ! દોસ્ત ! વડાપ્રધાન ભલે વિશ્વમાં ડંકો વગાડે/ મંદિર મંદિર ઘૂમે/ ઉપલા ત્રણ વર્ણનું આધિપત્ય હોય અને ચોથા વર્ણએ ગુલામી ભોગવવાની હોય તેવા ‘હિન્દુરાષ્ટ્ર’નું કેસરી ગાજર બતાવે/ અવતારી બને કે વિશ્વગુરુ બને; પણ એનાથી દેશના નાગરિકોને કોઈ ફાયદો ન થાય તો એવી ઉપલબ્ધિને શું ધોઈ પીવાની?”rs [કાર્ટૂન સૌજન્ય : સતિષ આચાર્ય]

[wptube id="1252022"]





