
ગિરનારને આંબવા ૫૪૫ સ્પર્ધકોએ દોટ મૂકી હતી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનાર ને સર કરવા આજે ૫૪૫ સ્પર્ધકોએ દોટ મૂકી હતી.૧૫મી અખિલ ભારત ગિરનાર આરોહણ સ્પર્ધામાં ૧૩ રાજયોના ૬૩૮ સ્પર્ધકો નોંધાયા હતા.
સ્પર્ધામાં સિનિયર બહેનોમાં ૩૧.૨૪ મિનિટનો સમય સાથે ઉત્તર પ્રદેશની તામસી સિંઘે મેદાન માર્યું હતું. સિનિયર ભાઈઓમાં ગુજરાતના પરમાર લાલાએ ૫૬.૫૮ મિનિટના, જુનિયર બહેનોમાં ૩૮.૫૨ મિનિટના સમય સાથે ઉત્તર પ્રદેશની રંજના યાદવ, જુનિયર ભાઈઓમાં ૧ કલાક ૩૧ સેકન્ડ ના સમય સાથે હરિયાણા ના સાગરભાઇએ પ્રથમ ક્રમ હાસિલ કર્યો હતો.
યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત અખિલ ભારત ગિરનાર આરોહણ સ્પર્ધા સવારે ૬-૪૫ કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો આરંભ મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજય કોરડીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા સહિતના મહાનુભવોએ ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો હતો. ત્યાર પછી બહેનોની સ્પર્ધાનો પ્રારંભ થયો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ મેયર ગીતાબેન પરમારે ૧૫ મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં વિજેતા થયેલ અને ભાગ લેનાર દરેક સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી અને ગિરનારને સર કરવાની ખૂબ જ કઠિન ગણાતી આ સ્પર્ધામાં સ્પર્ધકોના જોમ અને જુસ્સાને બીરદાવયો હતો.
આ સ્પર્ધામાં અન્ય વિજેતાઓમાં સિનિયર ગર્લ્સમાં બીજા ક્રમે સિંધુ રીતુરાજ, તૃતીય ક્રમે અનિતા રાજપુત રહી છે. જ્યારે સિનિયર બોયઝ માં દ્વિતીય ક્રમે રાહુલભાઈ, તૃતીય ક્રમે રામનિવાસ રહ્યા હતા.
જુનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે કથેચીયા અસ્મિતા, તૃતીય ક્રમે બંધના યાદવ રહી હતી. જુનિયર બોયઝમાં બીજા ક્રમે મોહમ્મદ શાહીદ, તૃતીય ક્રમે રાહુલભાઈ રહ્યા હતા.
મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલી ઈનામ વિતરણ સમારોહમાં મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજય કોરડીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા, કોર્પોરેટર શારદાબેન પુરોહિત, આધ્યા શક્તિબેન મજમુદાર, પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા સહિતના પદાધિકારીઓ અધિકારીઓના હસ્તે પુરસ્કાર પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા.
ગિરનાર સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને રાજ્ય સરકાર તરફથી પ્રથમ થી દસ ક્રમાંક સુધી ને ચારેય કેટેગરીના સ્પર્ધકોને કુલ રૂ. ૫,૫૦ લાખની પ્રોત્સાહક રાશી અર્પણ કરવામાં આવી હતી.જેમાં પ્રથમ ક્રમે આવનારને રૂ.૫૦ હજાર, બીજા ક્રમે આવનારન રૂ.૨૫ હજાર, તૃતીય ક્રમે આવનાર ને રૂ ૧૫ હજાર આપવામાં આવે છે. જ્યારે મહાનગરપાલિકા દ્રારા કુલ રૂ.૫૨,૪૦૦ રોકડ પુરસ્કાર, ટ્રોફી આપવામાં આવે છે.
તેમજ ગિરનાર સ્પોર્ટ્સ એકેડેમી સાગર કટારિયા દ્વારા ૪ વિભાગના ટોપ ૧૦ સ્પધકોને વોટર બોટલ, સંદીપભાઈ તથા જિજ્ઞાસાબેન વસાવડા તરફથી પ્રથમ ૪ વિજેતા સ્પર્ધકને રૂ.૧૦૦૦, ડોળી એસોસીએશન પ્રથમ ૪ વિજેતા સ્પર્ધકને દ્વારા રૂ.૨૫૦ ના કેસ પ્રાઇસ આપવામાં આવ્યા હતા.
સમારોહમાં સ્વાગત પ્રવચન જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી. વાળાએ કર્યું હતું. આભાર વિધિ પ્રાંત યુવા અધિકારી ઉપેન્દ્ર રાઠોડે કરી હતી.





