
સોમાલિયામાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બોમ્બ વિસ્ફોટ સોમાલિયાના બેલેડવેયને શહેરમાં થયો હતો. સિક્યુરિટી ચેક પોસ્ટ પાસે વિસ્ફોટકો ભરેલી ટ્રકમાં આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે અહીં આસપાસ ઉભેલી ગાડીઓ તૂટી ગઇ હતી.
હિર્શાબેલે પ્રાંતના ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર જનરલ અબ્દીફતહ મોહમ્મદ યુસુફે 15 મોતની પૃષ્ટી કરી છે, તેણે જણાવ્યું કે ઘાયલોને ત્યા નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 40માંથી 20ની હાલત ગંભીર છે, તેમણે સારી સારવાર માટે મોગાદિશુ લઇ જવામાં આવ્યા છે.
બેલડવેયને પોલીસે જણાવ્યું કે અત્યાર સુધી 13 શબ મળ્યા છે જેમાંથી મોટાભાગના ત્યાના આસપાસના લોકો હતા. પોલીસે જણાવ્યું કે મોતનો આંકડો વધી શકે છે. આ ભીષણ વિસ્ફોટમાં કેટલીક બિલ્ડિંગ પણ નષ્ટ થઇ ગઇ છે. કાટમાળમાં હજુ પણ કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે.
આ હુમલાને આતંકી હુમલો કહેવામાં આવી રહ્યો છે. પાંચ-છ દિવસ પહેલા સોમાલિયામાં અલ-શબાબના આતંકીઓએ મોટો આતંકી હુમલો કર્યો હતો. 167 સૈનિકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ સિવાય કેટલાક સૈન્ય ઉપકરણોને પણ બરબાદ કરી દીધા છે. મહત્ત્વપૂર્ણ છે કે અલ-શબાબ સોમાલિયાનો મોટો જિહાદી આતંકી ગ્રુપ છે. 2006માં અસ્તિત્વમાં આવેલા આ ગ્રુપનો અર્થ સોમાલિયા સરકારને ઉખાડી ફેકવાનો છે.










