
જંબુસર તાલુકાના રૂનાડ ગામે પૌરાણિક શિવાલય આવેલું છે. લોક વાયકાઓ અનુસાર રૂનાડ ગામ નજીક પાંડવો દ્વારા માતા કુંતીની ઈચ્છા અનુસાર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. અહીં શિવરાત્રીના પર્વએ ભક્તો શિવ આરાધના માટે ઉમટી પડે છે. આ પાવન ભૂમિમાં પાંડવો દ્વારા શિવલિંગની સ્થાપના કરી માતા કુંતીએ અહીં યજ્ઞ પણ કર્યો હતો. પાંડવો વનવાસ દરમિયાન વિહાર કરતાં કરતાં આ કપિલ ક્ષેત્રના કંકાવટી વનમાં આવી પહોંચ્યા હતા. અહીંયા ગૌતમ ઋષિએ શિવ મહામંત્રનું સૂચન કર્યું હતું. પાંડવોએ અહીં મહામંત્રના જાપ કર્યા હતા. પાંડવોની પૂજાથી ભગવાન મહાદેવ પ્રસન્ન થઈ તેમને દર્શન આપી મનોકામના પૂર્ણ કરવા વરદાન આપ્યું હતું.
લોકમુખે કહેવાતી વાર્તાઓ અનુસાર આ શિવાલયના દર્શન અને પૂજાથી તમામનો ઉદ્ધાર થાય તે માટે શિવલિંગ સ્વરૂપે શિવજીને સ્થાપિત રહેવા વિનંતી કરવામાં આવી હતી. ધર્મ – સત્ય – જપ અને તપ સાથે મહાદાનના દેવ તરીકે અહીંના શિવજી ઓળખાય છે. કુંતીપુત્ર રાજા કર્ણ સત્ય – ધર્મ અને મહાદાનેશ્વરી તરીકે ઓળખાયા હતા. કર્ણ જેવું દાનેશ્વરી કોઈ થયું નથી તેથી તપ,જપ તથા દાનના પુણ્યના આશીર્વાદ પ્રદાન કરતા શિવલિંગ નું નામ કર્ણેશ્વર મહાદેવ રાખ્યું હતું.
આ શિવલિંગની તેજસ્વીતા દર્શનાર્થીઓને ચમત્કારીક અનુભૂતિ કરાવે છે. અહીં શિવલિંગના દર્શનમાત્રથી ભક્તની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. શ્રાવણ માસમાં અને શિવરાત્રીએ રૂનાડ ગામના કર્ણેશ્વર મહાદેવે દૂર દૂરથી ભક્તો આવે છે અને દૂધ તેમજ બીલીપત્રનો અભિષેક કરે છે અને શિવજીની આરાધના કરે છે. આ મંદિરના શિવલિંગના દર્શન, તપ,જપ તથા દાનના પુણ્યથી માનસિક શાંતિ, સમૃદ્ધિ તથા પુત્ર પ્રાપ્તિનું પુણ્ય મળે છે તેવી માન્યતા છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ