કોટડા સાંગાણી ખાતે પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજાયો “તાલુકા સ્વાગત કાર્યક્રમ”

તા.૨૫ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ગ્રામ્ય કક્ષાએ ૭૭ અને તાલુકા કક્ષાએ ૨૧ સહિત કુલ ૯૮ પ્રશ્નોનુ સુખદ નિરાકરણ
ટેક્નોલોજીના યુગમાં ગુજરાતમાં “ઇઝ ઓફ લિવિંગ” ને પ્રમોટ કરવા તેમજ સામાન્ય જનતા અને સરકાર વચ્ચેના અંતરને દૂર કરી ટેક્નોલોજીમાં રહેલી ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરીને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦ વર્ષ પહેલાં શરૂ કરેલ “SWAGAT” (સ્વાગત – સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવાન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી) કાર્યક્રમ થકી ગુજરાતના લાખો નાગરિકોની વિવિધ સમસ્યાઓનું સફળતાપૂર્વક નિરાકરણ થયું છે.

જાહેર સેવામાં પારદર્શિતા અને જવાબદેહીનાં ૨૦ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ “સ્વાગત સપ્તાહ” ઉજવાઈ રહ્યું છે ત્યારે આજરોજ રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી ખાતે પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને “તાલુકા સ્વાગત કાર્યક્રમ” યોજાયો હતો, જેમાં ગ્રામ્ય કક્ષાએ ૭૭ અને તાલુકા કક્ષાએ ૨૧ સહિત કુલ ૯૮ પ્રશ્નો રજૂ થયા હતા. પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડએ અરજદારોને શાંતિપૂર્વક સાંભળી તેમના પ્રશ્નોનું સત્વરે નિવારણ લાવવા ગ્રામ સેવક, તલાટી કમ મંત્રી અને સંબંધિત અધિકારીશ્રીઓને આદેશ કર્યા હતા.

નાની ઉંમરે વિધવા થયેલ કિરણબેન વોરાને સરકારશ્રીની ગંગા સ્વરૂપા યોજના અંતર્ગત સહાય હુકમ મળતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા સરકારશ્રીનો આભાર માનતા જણાવ્યું હતું કે, મારા પતિનું અવસાન થતાં મારા નાના નાના બે બાળકોની જવાબદારી મારા ઉપર આવી ગઈ છે. સરકારશ્રી દ્વારા માત્ર એક મહિનાની અંદર જ સહાય હુકમ મળી જતા પરિવારનું ગુજરાન ચલાવવામાં આર્થિક ટેકો મળી રહેશે. સરકારનો આભાર માનીએ એટલો ઓછો પડે. કોટડાસાંગાણીના વૃદ્ધા વિજયાબેન વાળાને માત્ર અઠવાડિયામાં જ વૃદ્ધા પેન્શન સહાય યોજના હેઠળ હુકમ મળી જતા સરકારનો આભાર માન્યો હતો. આવી યોજનાથી દીકરાઓ પાસે હાથ લંબાવવો પડતો નથી.

આવા અનેક કિસ્સાઓમાં શહેરીજનોની રજુઆતોનું ઝડપી અને સંતોષકારક નિરાકરણ ટેક્નોલોજી, સંવેદનશીલતા અને માનવીય અભિગમનો અદભૂત સમન્વય એવા “સ્વાગત” કાર્યક્રમ થકી આવ્યું છે.

આ કાર્યક્રમમાં પ્રાંત અઘિકારીશ્રી સંદીપકુમાર વર્મા, મામલતદારશ્રી ગુમાનસિંહ જાડેજા, તાલુકા વિકાસ અધિકારીશ્રી વલ્લભકુમાર થોરિયા સહિતના સિંચાઈ, પુરવઠા જેવા સંબધિત વિભાગનાં અધિકારીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.








