નવસારી: ડી.ડી.ઓશ્રી પુષ્પ લતાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની ‘શ્રી અન્ન'(મિલેટ્સ) વાનગી સ્પર્ધા યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના આઈ.સી.ડી.એસ અને નવસારી કૃષિ યુનીવર્સીટીના સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાની ‘શ્રી અન્ન’(મિલેટ્સ) વાનગી સ્પર્ધા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ લોકોમાં ભારતીય પારંપરિક ધાન્યો જેવા કે જુવાર, બાજરી, નાગલી, રાગી વિષે જાગૃત કરવાનો તેમજ મિલેટ્સમાંથી બનતી પોષણયુક્ત વાનગીઓને પ્રચલિત કરવાનો છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતાએ અવનવી વાનગીઓ બનાવી ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લેવા બદલ આંગણવાડીની કાર્યકર્તા બહેનોને અભિનંદન પાઠવી મિલેટ્સનું મહત્વ સમજાવ્યું હતું. સ્વસ્થ સમાજના નિર્માણ માટે ખાસ કરીને બાળકોને કુપોષણથી ઉગારી યુવાઓને જંકફૂડ છોડી પોષણયુક્ત આહાર તરફ વાળવા મિલે્ટસ(શ્રી અન્ન)ની જાગૃતિ અભિયાનમાં આંગણવાડી બહેનોની ભૂમિકા પાયાની છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ ખાસ કરીને બાળકો, ગર્ભવતી મહિલાઓ અને અન્ય મહિલાઓને વિશેષરૂપે મિલેટ્સનું નિયમિત સેવન કરવા જણાવ્યું હતું. તેમજ આંગણવાડીના બાળકોને નિયમિત રીતે શ્રી અન્ન માંથી બનેલી વાનગીઓ જમાડવાનો અનુરોધ કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-૨૦૨૩ અંતર્ગત યોજાયેલી શ્રી અન્ન સ્પર્ધામાં નવસારી જિલ્લાનાં ૬ તાલુકાના ૧૦ ઘટકોની આંગણવાડીઓની કાર્યકર બહેનો દ્વારા મિલેટસમાંથી શ્રેષ્ઠ વાનગી જેવી કે, પિઝા , સુખડી, થેપલા, ઢોકળા, લાડુ, શીરો, અપ્પમ, વેજિટેબલ ટીકી, મિક્સ મિલેટનાવડા, મૂઠિયા, પુડલા, ચટણી સહિતની વિવિધ વાનગીઓ બનાવાઈ હતી. આ વાનગીઓનું નિર્ણાયકો દ્વારા નિરીક્ષણ કર્યા બાદ પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમાં હાજર નવસારી કૃષિ યુનીવર્સીટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ.નિકુલસિંહ ચૌહાણ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ.કે.એ.શાહ દ્વારા મિલેટ્સને પ્રોત્સાહન આપતી આ પહેલને બિરદાવી લોકોને તેનું મહત્વ સમજાવી રોજીંદા આહારમાં ઉપયોગ વધારવા જણાવ્યું હતું.
આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આશાબેન પાટીલ, દ્વિતીય ક્રમે દક્ષાબેન ગાયકવાડ , અને ત્રીજા ક્રમે નીલાબેન ચાવડા વિજેતા બન્યા હતા. ત્રણેય વિજેતા આંગણવાડી બહેનોને પ્રોત્સાહનરૂપે ઉપસ્થિત અધિકારી દ્વારા સર્ટીફીકેટ અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર ડૉ.અતુલ ગજેરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજેન્દ્ર રંગુનવાલા તેમજ જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસના , સી.ડી.પી.ઓ અને નવસારી જિલ્લાના આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.






