Navsari: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ દરેક જન જન સુધી પહોંચે તેવા આશયથી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગુજરાત રાજ્યના નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તથા નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
કલ્યાણકારી યોજનાઓ સાથે આવેલ રથને વધાવતા દેવસર ગામે જનમેદની ઉમટી પડી હતી. વિકાસની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે , “ સરકાર છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ પહોંચાડીને લોકોના જીવનશૈલીમાં બદલાવ લાવવા માટે કટિબદ્ધ છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીઓ પર પ્રજાને અતુટ વિશ્વાસ છે. જેમની પ્રજાલક્ષી ગેરંટીઓ થકી છેવાડાના માનવીનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે . પ્રજાને કેન્દ્ર અને રાજ્ય સરકારી યોજનાનો લાભ અપાવવા દરેક લાભાર્થીઓને સ્થળ ઉપર જ લાભ મળી જાય તે માટે ગામે ગામ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની ગેરંટી રથ ફરી રહી છે ત્યારે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા યોજનાકીય સ્ટોલ લગાવવામાં આવ્યા છે તેની ગ્રામજનો મુલાકાત લઈ લાભ લેવા નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલે ખાસ અનુરોધ કર્યો હતો.
આ વેળાએ ગુજરાત રાજ્યના નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ ,નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલ તથા મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયુ હતું. તેમજ લાભાર્થીઓએ પોતાના “ મેરી કહાની મેરી જુબાની” હેઠળ અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ , નવસારી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ , નવસારી જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ , જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ ,અન્ય મહાનુભાવો, સંબંધિત વિભાગના કર્મયોગીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.






