
તા.૨૨ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
નશામુક્તિ અભિયાનમાં સામેલ થતા શાળાના આચાર્યો, પોલીસ કર્મચારીઓ અને બ્રહ્માકુમારી સંસ્થા
રાજકોટના ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે નશા મુક્તિ અભિયાન અંતર્ગત ‘‘એક યુદ્ધ-નશે કે વિરુદ્ધ” વિષયક સેમિનાર યોજાયો હતો.
ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સમાજને નશામુક્ત કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સાથોસાથ સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ વગેરેનો પણ જનજાગૃતિ માટે સહયોગ ખૂબ જ જરૂરી છે. યુવાઓને ડ્રગ્સ સહિત કોઈ પણ પ્રકારની નશાની લતથી દૂર રાખવા તેમજ આવનારી પેઢીઓને નશામુક્ત કરવા રાજ્ય સરકાર હર હંમેશ તત્પર રહી છે, તેમ ધારાસભ્યશ્રી ટીલાળાએ જણાવ્યું હતું

કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ નશાનિવારણ પર ભાર મુકતા જણાવ્યું હતું કે નશાની લત ન લાગે તે માટે સૌથી પહેલા તેની દુરગામી અસરો અંગે જનજાગૃતિ જરૂરી છે. શાળા કોલેજના વિદ્યાર્થીઓ ડ્રગ્સ સહિતના નશાથી દૂર રહે તે માટે વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ સક્રિયપણે કામગીરી કરી રહ્યા છે. સામાજિક ચેતના જગાવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેવા તેમજ શિક્ષકોને વિદ્યાર્થીઓને આ બાબતે જાગૃત કરવા તેમણે ઉપસ્થિતોને ખાસ અનુરોધ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી અને જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી સૌરભ તાોલંબીયાએ પ્રાસંગિક પ્રવચનમાં કુશળ યુવાનોને નશાથી દૂર રાખવા માટે કાયદાકીય તમામ કડક પગલાંઓ લેવાની ખાત્રી ઉચ્ચારી હતી. જયારે બ્રહ્માકુમારી સુશ્રી અંજુદીદીએ યુવાઓને જાગૃતિ અર્થે કરવામાં આવેલા કાર્યક્રમોની રૂપરેખા આપી હતી.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા પ્રેરિત નશા મૂકત ભારત અભિયાન હેઠળ આયોજિત એક દિવસીય સેમિનારમાં રાજકોટ મહાનગરપાલિકાની શાળાઓના આચાર્યો, રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસ કર્મચારીઓએ ભાગ લઇ નશા મુક્તિ માટે સામાજિક જાગૃતિ લાવવા શાળા કોલેજ તેમજ સરકારી સંસ્થાઓમાં નશાબંધી વિરુદ્ધના પોસ્ટર લગાડી જનજાગૃતિ ફેલાવવાના શપથ લીધા હતા.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી પ્રાર્થનાબેન સેરસિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. રાજકોટ ગ્રામ્ય ડીવાય.એસ.પી. હિંગોળદાન રતનુ, પી.આઇ શ્રી એસ આર મોરી, નશાબંધી કમિટીના શ્રી અનવરભાઈ ઠેબા, ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલના શ્રી કમલેશભાઈ મકવાણા, શ્રી શાંતિલાલ એન ચાનપુરા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી મેહુલભાઈ ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.








