
રાજપીપલા જૂની સિવિલ ખાતે ડાયાબિટીશ અને હાયપર ટેન્શન સ્ક્રીનીંગ નિદાન કેમ્પ યોજાયો
હાલની જીવનશૈલિથી લોકોમાં હાયપર ટેન્શન અને ડાયાબિટીસનું વધી રહેલું પ્રમાણ રોકવા આવા કેમ્પ જિલ્લાના લોકો માટે ઉપયોગી સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નિલાંબરીબેન પરમાર
રાજપીપળા: જુનેદ ખત્રી
નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ કેન્સર, ડાયાબિટીસ, સીવીડી સ્ટોક પ્રોગ્રામ અંતર્ગત આજરોજ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો હતો. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કમ પોલીક્લિનીક રાજપીપલા(જૂની સિવિલ) ખાતે યોજાયેલા કેમ્પને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નિલાંબરીબેન પરમારના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કેમ્પમાં જિલ્લાભરમાંથી પીએચસી સેન્ટર પર નોંધાયેલા અંદાજિત ૧૦૦ કરતાં વધુ દર્દીઓને નિષ્ણાંત તબીબો દ્વારા કન્સલટિંગ અને સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.
આજરોજ તા.૨૦મી માર્ચે જૂની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં યોજાયેલા ડાયાબિટીસ અને હાયપર ટેન્શન સ્ક્રીનીંગ કેમ્પમાં જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે નોંધાયેલા ડાયાબિટીસ અને હાયપર ટેન્શનના દર્દીઓએ લાભ લીધો હતો. તમામ તાલુકાના દર્દીઓને રાજપીપલા સુધી લાવવા-લઈ જવા માટેની સુવિધા પણ આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે પુરી પાડવામાં આવી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનકકુમાર માઢકે કેમ્પ સંદર્ભે જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જિલ્લામાં હાયપર ટેન્શન અને ડાયાબિટીસ, બ્લડપ્રેશરની બીમારી ધરાવતા લોકો માટે આ નિદાન-સારવાર કેમ્પ યોજાયો છે. આ કેમ્પમાં આવેલા તમામ દર્દીઓની તપાસ અને સ્ક્રીનીંગ કરી જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. જેમને સ્પેશિયાલિસ્ટની જરૂરિતાય છે તેવા દર્દીઓને સિવિલ હોસ્પિટલના ફિઝિશિયન દ્વારા જરૂરી સુવિધાઓ પુરી પાડવામાં આવશે. આજે ઓરલ કેન્સરનો નિદાન કેમ્પ પણ આજે રાખ્યો છે. આ તમામ દર્દીઓમાંથી જે જરૂરિયાત વાળા દર્દીઓ છે તેમનું પીએમજેએવાય કાર્ડ કાઢી આપવામાં આવશે. તેની સાથે આભા આઈડી કાર્ડ પણ ઈશ્યુ કરવામાં આવશે તેમ તેઓએ ઉમેર્યું હતું.
*શું છે આભા આઈડી કાર્ડ અને તેના ફાયદા..!*
ભારત સરકાર દ્વારા આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન (ABDM)ની શરૂઆત સપ્ટેમ્બર, ૨૦૨૧માં કરવામાં આવી હતી. જેને *ડિજિટલ હેલ્થ રેકોર્ડ* અથવા *લાઈફ સેવિંગ કાર્ડ* તરીકે પણ ઓળખવામાં આવે છે. કેન્દ્ર સરકારના આ મિશનનો ધ્યેય ભારતના તમામ નાગરિકોને ડિજિટલ હેલ્થ આઈડી પ્રદાન કરવાનો છે. જે વ્યક્તિના ભૂતકાળના તબીબી રેકોર્ડ્સ સુધી સરળતાથી પહોંચવાની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. આ IDનો ઉપયોગ સમગ્ર દેશમાં ગમે ત્યાંથી થઈ શકે છે. કોઈપણ ભૌગોલિક અવરોધો વિના સમગ્ર ભારતમાં તબીબી વ્યાવસાયિકોને વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યની માહિતી સરળતાથી બતાવી શકે છે. જેમાં દેશના કોઈપણ સ્થળે તબીબની મુલાકાત લેતી વખતે વ્યક્તિના ભૂતકાળના તમામ તબીબી અહેવાલો ડિજિટલી સંગ્રહિત કરેલા હોવાથી સરળતાથી કોઈપણ તબીબ તે વ્યક્તિની તાત્કાલિક સારવાર કરી શકે છે.






