NAVSARI

નવસારી: બિયારણ ખરીદતી વખતે ખેડૂતોએ રાખવાની કાળજી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાના ખેડૂતોએ આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી વખતે કાળજી રાખવા નાયબ ખેતી નિયામક વિસ્તરણ, નવસારી દ્વારા સુચનો   કરવામાં આવ્યા છે. જેમાં બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. કોઇપણ સંજોગોમાં લાયસન્સ/ પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યકિતઓ, પેઢીઓ કે ફેરિયાઓ પાસેથી કયારેય પણ બિયારણની ખરીદી કરવી નહિ જેથી છેતરપિંડીથી બચી શકાય.
બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરૂ નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટનંબર, ઉત્પાદન અને મુદત પુરી થવાની વિગત દર્શાવતું બિલ સહિ સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પુરી થઇ ગયેલ નથી તે બાબતની ખાસ ચકાસણી કરવી અને કોઇપણ સંજોગોમાં મુદત પુરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહિ.

ખાસ કરીને કોઇપણ પાકના બિયરણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઇપણ સંજોગોમાં ખરીદી કરવી નહિ તથા આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત તાલુકાના એગ્રીકલ્ચર ઇન્સ્પેકટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ને તુરંત જાણ કરવી.

વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/થેલી તેમજ તેનું બિલ પણ સાચવી રાખવા નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ)ની યાદીમાં જણાવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button