હાલોલ:કંજરી રોડ ઉપર નવા બનાવેલ સીસી રોડની કપચી ઉખડી ગઈ,કોન્ટ્રાકટર દ્વારા રોડ પર કેમિકલ પાથર્યું

તા.૨૮.મે
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ નગરના કંજરી રોડ ના નવીનીકરણ નું કામ છેલ્લા દોઢ વર્ષ જેટલા સમયથી મંથર ગતિએ ચાલી રહ્યું છે.હજુ આ રોડ સંપૂર્ણ પણે બન્યો નથી તે પહેલા રોડ ઉપરની કપચી ઉખડવા માંડી છે. કોન્ટ્રાક્ટર દ્વારા ઉખડી ગયેલી કપચીને ઢાંકવા માટે કેટલીક જગ્યાએ કેમિકલ ચોપડી હલકી કક્ષાની કામગીરી ને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.હાલોલ નગરના કંજરી રોડ ચાર રસ્તા થી લઈ બાયપાસ ચોકડી સુધી 1600 મીટર એટલે કે દોઢ કિલોમીટર ઉપરાંત ના રોડનું નવીનીકરણ કરવા માટે સરકાર દ્વારા 6 કરોડના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.આ રોડ પહોળો કરી બંને તરફ સાત સાત મીટર તેમજ વચ્ચે એક મીટરનું ડિવાઇડર સાથે પંદર મીટર નો બનાવવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહી છે.આ રોડ બનાવવાની કામગીરી છેલ્લા દોઢ વર્ષ જેટલા સમયથી મંથર ગતિએ ચાલી રહી છે.આ સીસી રોડ ની કામગીરી હજુ સંપૂર્ણપણે પૂર્ણ થઈ નથી અને રોડ ના કેટલાક ભાગ માં કપચી બહાર નીકળવા માંડી છે.તેમજ રોડ બનાવતી વખતે નાખવામાં આવેલ સળિયા પણ કેટલીક જગ્યાએ દેખાવા લાગતા આ રોડ ની કામગીરી અંગે લોક મુખે અનેક ચર્ચાઓ એ જોર પકડ્યું છે.આ અગાઉ થોડા દિવસ પહેલા આ ઉખડી ગયેલ કપચી ઉપર ડામર પાથરી રોડ ને સુધારવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ તેમાં સફળતા ન મળતા ગત મોડી રાત્રે મામલતદાર કચેરી ની સામે ના રોડ ઉપર કેમિકલ પાથરી વધુ એક વખત રીપેરીંગ કરવાની કામગીરી કરવામાં આવી છે.આ બાબતે માર્ગ મકાન પંચાયત વિભાગના સક્ષમ અધિકારી સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવાંની કામગીરી વખતે બેદરકારી દાખવી હોવાને લઈ નવા બનેલા રોડ ઉપર કપચી ઉખડવા માંડી છે.જેને લઇ કોન્ટ્રાક્ટર દ્વારા આ અમુક રોડના હિસ્સા ઉપર કેમિકલ પાથરી રોડ ને સુધારવા નો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.જો આ રોડ ઉપર કેમિકલ પથરાવમાં આવ્યા પછી રોડ ટકાઉ બને તો આખા રોડ ઉપર આ કેમિકલ પાથરી રોડને ફરીથી સુધારવાની કામગીરી કોન્ટ્રાક્ટર પાસે કરાવવમાં આવશે તેમ જણાવ્યું હતું.