NATIONAL

ખેડૂત આંદોલનના બીજા દિવસે સ્થિતિ ઉગ્ર, કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર

 ટેકાના ભાવ માટે કાયદો ઘડવા તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10થી વધુ માગણીઓ સાથે  25 હજારથી વધુ ખેડૂતોએ આંદોલન શરુ કર્યું છે ત્યારે આજે આંદોલનના બીજા દિવસે પણ ઉગ્ર સ્થિતિ જોવા મળી હતી અને દિલ્હીની સરહદો સીલ કરી દેવામાં આવી હતી. હવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે હરિયાણાના શંભુ બોર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ખેડૂતોને રોકવા માટે આંસુ ગેસના શેલનો મારો ચલાવ્યો હતો.

MSP સહિતના તમામ મુદ્દાઓને લઈને દિલ્હી કૂચ કરી રહેલા ખેડૂતોની સાથે વાતચીત માટે કેન્દ્ર સરકાર તૈયાર છે. સરકાર ખેડૂતો તરફથી વાતચીતના પ્રસ્તાવની રાહ જોઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારના વરિષ્ઠ મંત્રી સતત આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. આ પહેલા સોમવારે ખેડૂતો અને સરકારના મંત્રીઓ વચ્ચે ચંદીગઢમાં વાતચીત થઈ હતી. જોકે, તે નિષ્ફળ નીવડી હતી. ત્યારે, કેન્દ્રીય મંત્રી ત્યાં બેઠેલા રહ્યા હતા, પરંતુ ખેડૂતો ઉભા થઈને ચાલ્યા ગયા હતા.

આ ઉપરાંત ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે મંગળવારે ફરીથી વાટાઘાટો થઈ પરંતુ તે કોઈ નક્કર પરિણામ સુધી પહોંચી શકી નથી. આજે ફરીથી ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં  દિલ્હીની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. ખેડૂતોને રાજધાનીમાં પ્રવેશતા અટકાવવા માટે મલ્ટિ-લેયર બેરિકેડ અને કાંટાળા તાર લગાવવામાં આવ્યા છે. આ સિવાય સરહદો પર આરએએફ, અર્ધલશ્કરી દળ, એન્ટી રાઈટ વ્હીકલ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ વાહનોની તપાસ કરી રહી છે. ટ્રાફિક જામથી લોકોને બચાવવા માટે પોલીસે એડવાઈઝરી જારી કરી છે.

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગ મોડી રાત્રે શંભુ બોર્ડર પર ઈજાગ્રસ્ત ખેડૂતોની હાલત પૂછવા માટે રાજપુરાની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અહીં તેમણે ઈજાગ્રસ્ત ખેડૂતોને રાહુલ ગાંધી સાથે ફોન પર વાત કરાવી હતી. રાહુલ ગાંધીએ ખેડૂતો પાસેથી તેમની ઈજાઓ વિશે જાણ્યું હતું.

પટિયાલા ડીસીએ અંબાલા ડીસીને પંજાબના વિસ્તારમાં ડ્રોન ન મોકલવા માટે પત્ર લખ્યો છે. તેણે આ અંગે અંબાલાના વરિષ્ઠ પોલીસ અધિક્ષકને પણ જાણ કરી છે. હવે સરહદ પર ડ્રોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button