NATIONAL

કેન્દ્ર સરકારના હિટ એન્ડ રનના કાયદાના વિરોધમાં દેશભરમાં 25 લાખ ટ્રકના પૈડા થંભ્યા

કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ લાવવામાં આવેલા કાયદા સામે ટ્રક અને ડમ્પર ચાલકોએ આજે બીજા દિવસે પણ વિરોધ ચાલુ રાખતા અનેક જગ્યાઓ હાઈવે પર ચક્કાજામ કર્યો છે જેના કારણે વાહનવ્યહાર પર પણ અસર પડી રહી છે.

ડ્રાઇવરો ટ્રક મુકીને જઇ રહ્યાં છે. ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, પંજાબ, ઉત્તરાખંડમાં સ્થિતિ બગડી ગઇ છે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે દેશભરના ટ્રાન્સપોર્ટ યૂનિયનોની બેઠક બોલાવી છે, જેમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હિટ એન્ડ રન કાયદાનો દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો વિરોધ કરી રહ્યા છે જેનો આજે બીજો દિવસ છે ત્યારે મુંબઈ, ઈન્દોર, દિલ્હી-હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ટ્રક ચાલકો દ્વારા ઠેર-ઠેર ચક્કાજામ કરવામાં આવ્યો છે જેના કારણે વાહનવ્યવહાર પર પણ અસર જોવા પડી રહી છે. ટ્રક ચાલકોમાં આ કાયદાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓનું કહેવું છે કે આ સંપૂર્ણપણે ખોટું છે અને સરકારે આ કાયદો પાછો ખેંચવો પડશે.

ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અધ્યક્ષ અમૃતલાલ મદાને જણાવ્યું કે ટ્રાન્સપોર્ટ યૂનિયન ડ્રાઇવરોના સમર્થનમાં આવી ગઇ છે. અમૃતલાલ મદાને જણાવ્યું કે વર્તમાન સમયમાં 95 લાખ કરતા વધુ ટ્રક રજિસ્ટર્ડ છે જેમાંથી 70 લાખ ટ્રક એક સમયે રોડ પર ચાલે છે જેમાંથી 30થી 40 ટકા ટ્રક રસ્તામાં ઉભા થઇ ગયા છે. એક સાથે ચાલનારા 70 લાખ ટ્રકમાંથી 25 લાખ કરતા વધુ ટ્રકના પૈડા થંભી ગયા છે. ટ્રક ડ્રાઇવરોની હડતાળને કારણે જરૂરી સામાનનો સપ્લાય પણ થંભી ગયો છે.

સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં હિટ એન્ડ રનના કાયદા અંગે માહિતી આપતા કહ્યું હતું કે, અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ ઘટના સ્થળે ભાગી જાય છે અને ઘાયલને વ્યક્તિને રસ્તા પર જ છોડી દે છે, તો તેને 10 વર્ષની સજા થશે. પરંતુ જો અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થઈ જશે. ઉલ્લેખનીય છે કે,હાલમાં પસાર થયેલા ત્રણ સંશોધન કરાયેલા ક્રિમિનલ લૉ બિલને 25મી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મંજૂરી આપી દીધી હતી. જ્યારબાદ હવે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય સંહિતા બિલ હવે કાયદો બની ગયા છે. આ વિધેયકોને સંસદના શિળાળુ સત્ર દરમિયાન લોકસભામાં 20 ડિસેમ્બરે અને રાજ્યસભામાં 21 ડિસેમ્બર પસાર કરાયું હતું. રાજ્યસભામાં વિધેયકોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી રજૂ કરાયા બાદ ધ્વનિ મતથી પસાર કરાયા હતા.

[wptube id="1252022"]
Back to top button