Tankara ટંકારાના હીરાપર ગામ નજીક બાઈકની ઠોકરે રીક્ષા ચાલક યુવાનનું મોત

ટંકારાના હીરાપર ગામ નજીક રીક્ષા ચાલક પોતાની રીક્ષામાં પંચર ચેક કરતો હોય ત્યારે ત્યાંથી પુરપાટ ગતિએ પસાર થતા બાઈકે રીક્ષા ચાલક યુવાનને પાછળથી જોરદાર ટક્કર મારતા ફંગોળાઈ રોડ ઉપર પટકાયો હતો. જે બનાવમાં રીક્ષા ચાલક યુવાનને કપાળમાં ગંભીર ઇજા થતા ઘટના સ્થળે તેનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર બનાવ મામલે મરણ જનારના ભાઈ દ્વારા બાઈક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર જીલ્લાના મોરકંડા ગામે રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ભરતભાઈ ધરમશીભાઈ પીપરીયા તેની પત્નીને મોરકંડાથી મોરબીના સુલતાનપુર મૂકીને પરત મોરકંડા જતા હોય ત્યારે ટંકારાના હીરાપર ગામ નજીક પોતાની રીક્ષામાં પંચર જોવા નીચે ઉતાર્યા ત્યારે બાઈક રજી. નં જીજે-૩૬-એજી-૦૬૨૬ ના ચાલક અક્ષય અવચરભાઈ ઢેઢી રહે. સરાયા તા.ટંકારા વાળાએ પોતાનું બાઈક પુરપાટ ઝડપે ચલાવી ભરતભાઈને હડફેટે લીધા હતા. જેમાં બાઈકની જોરદાર ટક્કરથી ભરતભાઈ ફંગોળાયા હતા અને રોડ ઉપર પટકાતા કપાળમાં ગંભીર ઇજા કરી ઉપરોક્ત બાઈક ચાલક નાસી ગયો હતો. સમગ્ર બનાવ મામલે મૃતક રીક્ષા ચાલક યુવાનના ભાઈ જયેશભાઇ ધરમશીભાઈ પીપરીયા દ્વારા આરોપી બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.








