
સાપકડા ગામે થયેલા ફાયરિંગમાં ત્રણ સામે ગુન્હો દાખલ

હળવદ તાલુકાના સાપકડા ગામે ગત મોડી સાંજે થયેલા ફાયરિંગ બાબતે ત્રણ આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ફરિયાદી પ્રભુભાઈ મગનભાઈ ચાવડાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ સાપકડા ગામે તેમના નાના ભાઈ ભવાનભાઈ સાથે રહે છે. અને બાપ દાદાની જમીનમાં ખેતીકામ કરે છે અને અમારા ગામની તળાવ પાસે ભાયુભાગની ખેતીની જમીન બાબતે કૌટુંબિક ભત્રીજો હરેશભાઈ દલુભાઈ ચાવડા અને તેમના બે દિકરા ભાવેશભાઈ હરેશભાઈ ચાવડા અને પ્રકાશભાઈ હરેશભાઈ ચાવડાએ ફરિયાદીને જુના સાપકડાથી બટુક મહારાજના આશ્રમથી પહોંચતા ત્યાં ત્રણેય જણા સંતાઈને ઉભા હતા અને ફરિયાદી કંઈ વિચારે તે પહેલા હરેશભાઈએ બંદુકમાંથી ભડાકો કરતા ફરિયાદીને ડાબા પગે ઢીંચણથી નીચે ઈજા પહોંચી હતી જ્યારે ભાવેશભાઈએ બંદુકમાંથી ભડાકો કરતા ઢીંચણથી ઉપર અને પેટના ભાગે ઈજા પહોંચાડી હતી.

તેમજ પ્રકાશભાઈએ પાઈપથી હુમલો કર્યો હતો અને બાદમાં ફરાર થઈ ગયા હતા. જેથી કરીને જમીનનો ડખો જીવલેણ સાબિત થાય તે પહેલા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેથી કરીને પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.








