આસીફ શેખ લુણાવાડા
સંતરામપુર તાલુકાના સીમલીયા પ્રાથમિક શાળા ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
શિક્ષણ મંત્રીના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું
છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવાના હેતુસર સંતરામપુર તાલુકાના સીમલીયા પ્રાથમિક શાળા ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક,માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર સહિત મહાનુભાવોએ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું સ્વાગત કર્યું હતું. તેમજ વિવિધ સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી આપી નવા લાભાર્થીઓની નોંધણી કરાઈ હતી.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક,માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના આર્થિક ઉત્થાન માટે સરકાર સઘન પ્રયાસો કરી રહી છે. ગામેગામ ફરતા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ દ્વારા લોકોને ઘર આંગણે યોજનાઓના લાભો આપવામાં આવી રહ્યા છે. ભારતને વિશ્વગુરૂ બનાવવા માટે ગામથી લઈ દેશના વિકાસમાં સૌ કોઈના સહિયારા યોગદાનનો મત વ્યક્ત કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભાશય જણાવ્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું કે, છેવાડાનો ગરીબ માનવી પગભર બની આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે. મંત્રીએ લોકોને વિવિધ યોજનાની જાણકારી આપી તેનો મહત્તમ લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. જેથી ગામ-તાલુકા-જિલ્લા અને રાજ્ય થકી દેશ વિકસિત બની શકે.
આ પ્રસંગે મંત્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયુ હતું.