
દિલ્હી: મણિપુર હિંસા કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા આદેશની નકલ બહાર પાડવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે મણિપુરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અધિકારીઓ હિંસા પર અંકુશ મેળવવામાં નિષ્ફળ રહ્યા છે.
સુપ્રીમ કોર્ટના આદેશમાં ઘણી મહત્વની બાબતો સામે આવી છે. સુપ્રીમ કોર્ટે મણિપુરમાં હિંસા આચરનારાઓ સાથે પોલીસની મિલીભગતના આરોપોની તપાસ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે રેન્ક, હોદ્દા, પદને ધ્યાનમાં લીધા વગર ગુનેગારો સાથે સાંઠગાંઠ કરનારા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ડીજીપી દત્તાત્રેય પડસાલગીકરને મણિપુરમાં સંઘર્ષ દરમિયાન હિંસા (જાતીય હિંસા સહિત)ના આરોપીઓ સાથે કેટલાક પોલીસ અધિકારીઓની મિલીભગતના આરોપોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને આ તપાસ પૂર્ણ કરવા માટે જરૂરી સહાય પૂરી પાડવાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્રના પૂર્વ ડીજીપી દત્તાત્રેય પડસાલગીકરને પણ તપાસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં સુપરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ આદેશ મુજબ, SCએ તપાસની ધીમી ગતિની ટીકા કરી અને તપાસ પંચને 2 મહિનામાં રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે કહ્યું આ રિપોર્ટ સબમિટ થયા બાદ અમે ટ્રાયલને રાજ્યની બહાર ટ્રાન્સફર કરવા અંગે વિચારણા કરીશું.
અગાઉ, 7 ઓગસ્ટની સુનાવણી પછી, સુપ્રીમ કોર્ટે માત્ર મૌખિક રીતે આદેશની રૂપરેખા આપી હતી. હવે સુપ્રીમ કોર્ટે વિગતવાર આદેશ જારી કર્યો છે.










