જંબુસર તાલુકાના કંબોઈથી બદલપુરા જતી એસટી બસ વેડચ-ઉબેર વચ્ચે રોડ ઉપર ભરાયેલ વરસાદી પાણીમાં ફસાઈ જતા મુસાફરોના જીવ ટાળવે ચોટી ગયા હતા.

હવામાન વિભાગ દ્વારા ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ગતરોજ જીલ્લામાં મુશળધાર વરસાદ પડતા જ ઠેરઠેર વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેને પગલે વાહન ચાલકો અને રાહદારીઓએ હેરાન પરેશાન બન્યા હતા. જંબુસર તાલુકામાં વરસેલા ભારે વરસાદના કારણે તાલુકાના અનેક માર્ગો બેટમાં ફેરવાયા છે. તો કેટલાક ગામોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા અનાજ સહીત ઘર વખરી પલળી જતા લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. જયારે કંબોઇથી બદલપુરા જતી એક એસ.ટી. બસ વેડચ-ઉબેર વચ્ચે રોડ ઉપર ભરાયેલ વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી.
બસ ફસાઈ જતા મુસાફરોના જીવ ટાળવે ચોટી ગયા હતા. આ અંગેની જાણ સ્થાનિકોને થતા તેઓ દોડી આવ્યા હતા અને ટ્રેકટરની મદદ વડે બસને બહાર કાઢવાના પ્રયાસ કર્યા હતા પરંતુ બસનું ટાયર ખાડામાં હોવાથી બસ નમી પડી હતી. જો કે મુસાફરો જીવન જોખમે બસમાંથી નીચે ઉતરી પાણીમાંથી બહાર નીકળી આવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





