
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૭/૦૭/૨૦૨૩
નેત્રંગ : પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવે છે. જે મુજબ ભરૂચ જિલ્લાના દરેક તાલુકાકક્ષાએ આ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં નેત્રંગ મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોશીની અધ્યક્ષતામાં યોજાયેલ ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં જિલ્લા વિકાસ અધિકારીએ લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કર્યું હતું. તાલુકા સ્વાગત કાર્યક્રમ હેઠળ ૫ તથા ગ્રામ સ્વાગત કાર્યક્રમ હેઠળ ૬ જેટલી અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમાં નેત્રંગ મામલતદાર અનિલભાઇ વસાવા, તાલુકા વિકાસ અઘિકારી, પોલિસ સબ ઇન્સ્પેકટર કે.એન.વાઘેલા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ.એન.સિંગ તેમજ અરજદારો હાજર રહ્યા હતા.








