ઝાડેશ્વરના માનસનગર કોમન પ્લોટ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંધની કેશવ અને માઘવ પ્રભાત શાખાનો વાર્ષિક ઉત્સવ યોજાયો

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૨/૦૪/૨૦૨૪
રાષ્ટ્રીય સ્વયં સેવક સંધની કેશવ અને માઘવ પ્રભાત શાખાનો વાર્ષિક ઉત્સવ માનસનગર કોમન પ્લોટ, ઝાડેશ્વર ખાતે ખૂબ જ ઉત્સાહપૂર્વક વાતાવરણમાં શિસ્તબધ્ધ રીતે યોજાયો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા શારીરિક શિક્ષણ પ્રમુખ ભાવેશભાઇ પરમાર વકતા તરીકે ઉપસ્થિત રહયા હતા.
આ પ્રસંગે વકતા ભાવેશભાઇ પરમારે જણાવ્યું હતું કે વ્યકિત નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ એ રાષ્ટ્રીય સ્વયં સેવક સંધનો મુખ્ય ઉદ્રેશ રહેલો છે. આર.એસ.એસ છેલ્લા ૯૯ વર્ષથી હિન્દુ સમાજનું સંગઠનનું કાર્ય કરી રહી છે તેનો મૂળભૂત સ્ત્રોત એટલે એક કલાકની શાખા છે. આ શાખા દરેક વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ચાલતી હોઇ છે આજે વાર્ષિક ઉત્સવના આ કાર્યક્રમમાં વર્ષ દરમ્યાન શાખા ધ્વારા ચાલતી પ્રવૃતિઓ જેમ કે વિવિધ રમતગમત, બૌધ્ધિક, સામાજિક ઉત્થાન જેવી બાબતોએ કરવામાં આવેલા કાર્યોનું નિદર્શન સમાજ સમક્ષ કરવામાં આવે છે. ટૂંકમાં શાખા ધ્વારા વિવિધ પ્રવૃતિઓ થકી વ્યકિત નિર્માણનું કાર્ય થાય છે.
આ પ્રસંગે કેશવ પ્રભાત શાખાના કાર્યવાહ અલખ પટેલે સ્વાગત પ્રવચન ધ્વારા મહેમાનો પરિચય અને શાખા ધ્વારા થયેલ કામગીરીનો ચિતાર આપ્યો હતો. આ ઉપરાંત માધવ પ્રભાત શાખાના કાર્યવાહ રસીકભાઇ પટેલ સહિત આગેવાન પદાધિકારીઓ, સ્વયંસેવકો અને આજુબાજુની સોસાયટીના નાગરિકો ઉપસ્થિત રહયા હતા.