
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૬/૦૧/૨૦૨૪
ભરૂચ જિલ્લામાં આગામી તા.૨૬ મી જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી નેત્રંગ તાલુકા મથકે આવેલા જીન કંમ્પાઉન્ડમાં કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની માર્ગદર્શન અને રાહબરી હેઠળ પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની યોજાનાર ઉજવણીના પૂર્વ આયોજન-તૈયારીઓ અંગે આજે ભરૂચ કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ઉજવણીના સુચારા આયોજન માટે સંબંધિત અધિકારીઓને કામગીરીની સોંપણી કરવામાં આવી હતી. આ જવાબદારી અંગે જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમના દિવસે અધિકારી-કર્મચારીઓ આ રાષ્ટ્રીય પર્વમાં અચૂક ભાગ લે તે જોવા જણાવ્યું હતું.
આ દિવસે જિનવાલા ગ્રાઉન્ડના સંકુલમાં યોજાનારા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધૂન વચ્ચે પોલીસ સહિત અન્ય સુરક્ષા જવાનોની પ્લાટુનોની પરેડ પણ યોજાશે. સાથે વિવિધ વિભાગોના ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમ, માઈક-મંડપ, લાઈટ, પાણી, વીજળી તેમજ વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીને પ્રમાણપત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવશે. તે અંગેની તૈયારીઓ સહિત સમગ્રતયા કાર્યક્રમ શાનદાર રીતે યોજાય તે અંગેનું આયોજન અને અમલવારી કરવા સંબંધિત વિભાગોને જણાવવામાં આવ્યું હતું.
પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણીમાં જિલ્લાના શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહેશે. તે સાથે – સાથે નેત્રંગ તાલુકાના લોકો માટે સેવાસેતુ કાર્યક્મનું પણ આયોજન કરવામાં આવનાર છે.
જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સંબંધિત અધિકારીઓને જરૂરી સુચના-માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ દ્વારા કાર્યક્રમ યાદગાર અને શાનદાર રીતે ઉજવાય તે માટે આપીલ કરાઈ હતી. બેઠકમાં સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.








