
સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી ચૂક્યો છે જેને લઇ ઘેડ પંથકમાં જળબંબાકાર ની સ્થિતિ સર્જાય હતી. ત્યારે આ અંગે કેશોદ ધારાસભ્ય દેવાભાઇ માલમ દ્રારા તારાજી સમયે તેમની સમગ્ર ટીમ અને અધિકારીઓ સાથે ઘેડ પંથકનાં પુરથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેવામાં આવી હતી. ઓઝત અને સાબલી નદીના પાણીએ પંથકના અનેક ગામોને મુશ્કેલીમાં મૂક્યા હતા. વરસાદી પાણીના લીધે કેશોદ તેમજ માંગરોળ તાલુકાના ઘણા ગામડાઓની અંદર ખેડૂતોનો સંપૂર્ણ પાક ફેલ ગયો હતો. જે સમગ્ર વિસ્તારોની અંદર સરકાર દ્રારા વહેલી તકે સર્વે હાથ ધરી ખેડૂતોને થયેલ નુકસાની ને લઇ આ વિસ્તારનાં ધારાસભ્ય તરીકે દેવાભાઇ માલમ દ્રારા ખેડૂતોને વહેલી તકે સહાય ચૂકવવા મુખ્યમંત્રી તેમજ કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં વરસાદી આફત સમયે ધારાસભ્ય દેવાભાઇ સહિત સાંસદ રમેશભાઇ ધડુક અને આગેવાનો તેમજ સરકારી તંત્રએ ચાલુ વરસાદે સમગ્ર વિસ્તારમાં જઇ મુલાકાત લીધી હતી. અને ધારાસભ્ય દેવાભાઇ માલમ દ્રારા હાલ તમામ પુર અસરગ્રસ્ત ગામોનો પ્રવાસ કરવામાં આવ્યો છે. જો કે સરકારે ઘેડ પંથકના વર્ષોથી દર ચોમાસે સર્જાતા આ પ્રશ્નના કાયમી નિરાકરણ માટે પણ વિચારી કામ કરવું જોઇએ તેવી વાત સમગ્ર વિસ્તારમાં ચર્ચાઇ રહી છે.
રિપોર્ટર – અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





