RAMESH SAVANI
Ramesh Savani : જો સેવાકીય પ્રવૃતિઓ મુખ્ય છે તો સત્તાપક્ષની ચાપલૂસીમાં શા માટે સમય અને ધન વેડફો છો?

સમાજના કેટલાંક અગ્રણીઓ કે ‘પ્રધાન સેવકો’/ કેટલાંક ધર્મગુરુઓ/ કેટલાંક નેતાઓ, લોક કલ્યાણના કામો હાથ ઉપર લે છે અને તેના આધારે તેઓ સમાજમાંથી વધારે ડોનેશન એકત્ર કરે છે; પરંતુ એમનો ખરો હેતુ લોક કલ્યાણનો હોતો નથી પરંતુ પોતાની ચોક્કસ વિચારધારાને વેગવંતી બનાવવાનો હોય છે. લોકમાન્યતા/ લોકસ્વીકૃતિ-Public legitimacy પ્રાપ્ત કરવા સેવા કરતા હોય છે. જો આવી સેવા ન કરે તો તેમને ડોનેશન પણ ન મળે.
આવી પ્રવૃતિઓથી સમાજને ફાયદો થોડો થાય છે, પરંતુ નુકસાન વધારે થાય છે. દરેક ધર્મગુરુઓ/ બાબાઓ/ બાપુઓ/ પાદરીઓ/ મૌલાનાઓ તરફ દ્રષ્ટિ કરો, એરણની ચોરી કરી સોઈનું દાન કરતા જોવા મળશે. તેમની વિરુદ્ધ તમે અવાજ ઊઠાવો એટલે તેમના ભક્તો તરત જ કકળાટ કરશે કે ‘તમે કોઈ સેવા કરો છો? બેઠાં બેઠાં માત્ર ટીકા જ કરવી છે? કામ જૂઓ, પછી લખજો !’ જ્યારે આશારામ બાપુ સામે FIR થઈ ત્યારે કેટલાંય બાબાઓ/ ધર્મગુરુઓ/ નેતાઓ તેમના બચાવમાં ઉતરી પડ્યા હતા કે ‘બાપુની સેવાપ્રવૃતિ જૂઓ !’
જે લોકો લોકસ્વીકૃતિ માટે સેવાપ્રવૃતિ કરે છે તેમની વિચારધારા કેવી છે, તે પ્રથમ જોવું જોઈએ. 31 ઓક્ટોબર 2023ના રોજ અમદાવાદમાં ‘સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલન’ યોજાયું. તેમાં લખ્યું હતું કે ‘આધ્યાત્મિક ચેતના સે રાષ્ટ્ર ચેતના અભિયાન !’ સરદારની જેલ ડાયરી વાંચો કે તેમના જીવનચરિત્ર પરના પુસ્તકો વાંચો. તેમાં સરદારે કોઈ જગ્યાએ આધ્યાત્મિક ચેતના માટે કામ કરવા માટે હાંકલ કરી હોય તેવું જાણવા નહીં મળે. સરદારે તો દેશની સ્થિતિ સુધારવા સખ્ત પરિશ્રમ કર્યો હતો, ખેડૂતોના હક્ક માટે બારડોલી સત્યાગ્રહ કર્યો હતો. લોકોની સ્થિતિ સુધારવા સ્વરાજ્ય મેળવવા જેલમાં ગયા હતા. આજે તેમના નામે મહાસંમેલન/ મહાડાયરા કરીને સરદારનું નામ લજવે છે. સૌથી વાંધાજનક બાબત એ હતી કે ‘સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલન’માં ગોડસેવાદી નેતાઓએ સાવરકરનું મહિમામંડન કર્યું ! આ તો સરદારની ચેતના હણવાનો મહાઅપરાધ કહેવાય. આ સરદારે જ ગાંધીજીની હત્યા માટે સાવરકરને જેલમાં પૂરેલ. પુરાવાના અભાવે તેઓ છૂટી ગયેલ, પરંતુ તેનો અર્થ એ નથી કે સરદારના નામે કાર્યક્રમોનું આયોજન થાય અને તેમાં સાવરકરનું મહિમામંડન થાય ! ગાંધીજીને કોઈ પણ ભોગે નીચે દેખાડવાનો પ્રયાસ ગોડસેવાદીઓ કરી રહ્યા છે. સરદાર પટેલનું સ્ટેચ્યૂ એ સરદાર પટેલ પ્રત્યેનો આદર કરતા ગાંધીજીને વામણા ચીતરવાનો હીન પ્રયાસ પણ છે જ. સરદાર પોતે ગાંધીજીના પાક્કા અનુયાયી હતા, એ બાબત જ ગાંધીજીનું બહુમાન છે. એટલે સરદારના નામે ગાંધીને નાના કરવા મથતા ગોડસેવાદીઓ સફળ થવાના નથી. બીજું ‘વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-વિશ્વ ઉમિયાધામ’ પોતાનો ગોડસેવાદી ચહેરો છૂપાવવા સામાજિક પ્રવૃતિઓ કરે છે; IAS એકેડેમી/ રાજવી વારસદારોનું સન્માન/ મેરી મિટ્ટી, મેરા દેશ, મેરા ધર્મ/ 10 હજાર કાર રેલી વગેરે પ્રવૃતિઓ કરે તેની સામે વાંધો ન હોય; પરંતુ સાવરકરે ભારતભૂમિની રક્ષા માટે પ્રાણ આપી દીધા, એવા હડહડતા જૂઠનું સ્થાપન કરે ત્યારે ચિંતાનો વિષય બને છે. આશ્ચર્યની બાબત તો એ છે કે ‘વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન’ને ભગતસિંહ કરતા સાવરકર મહાન લાગે છે ! આવી સંકુચિતતા/ જૂઠના આધારે ‘આધ્યાત્મિક ચેતના સે રાષ્ટ્ર ચેતના અભિયાન’નો દાવો કરનારાઓનો અસલી ચહેરો ખૂલ્લો પડી જાય છે ! IAS એકેડેમી કરો કે બીજી પ્રવૃતિઓ કરો, વિચારો જ સંકુચિત હોય તો આખરે નુકસાન વધુ થાય.
આ જ બાબત ‘સરદારધામ’ના ‘પ્રમુખ સેવક’ ગગજીભાઈને લાગુ પડે છે. ગગજીભાઈના સમર્થકો કહે છે કે તમે ‘સરદારધામની પ્રવૃતિઓ જૂઓ પછી લખો ! ગરીબ વિદ્યાર્થીઓને મફત ભણાવે છે/ હોસ્ટેલમાં રાખે છે/ જમાડે છે/ અદ્યતન લાઇબ્રેરી વગેરેનો લાભ આપે છે !’ આ પ્રવૃતિઓ સારી છે જ, તેનો વિરોધ નથી. આ પ્રવૃતિઓના કારણે જ તેમને કરોડો રુપિયાનું ડોનેશન મળે છે. સવાલ એ છે કે જો સેવાકીય પ્રવૃતિઓ મુખ્ય છે તો સત્તાપક્ષની ચાપલૂસીમાં શામાટે સમય અને ધન વેડફો છો?
જો કે દરેક સમાજમાં સ્વાર્થી/ અણસમજુ/ ધનપતિનું વર્ચસ્વ જોવા મળે છે. જેમ સરકાર ગરીબોના નામે સત્તામાં આવી અદાણીની સેવા કરે છે, તે રીતે સમાજના આગેવાનો સમાજના વિદ્યાર્થીઓની સેવાના નામે રાજકીય ચાપલૂસી કરી પોતાનું કદ મોટું કરે છે ! ઉમિયાધામ/ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન/ સરદારધામ/ ખોડલધામ લોકસ્વીકૃતિ માટે પ્રવૃતિઓ કરે છે, તેની સામે વાંધો નથી; પરંતુ જો સેવાકીય પ્રવૃતિઓ મુખ્ય હોય તો દર વખતે સ્ટેજ પર સત્તાપક્ષના નેતાઓ જ કેમ હોય છે? આ સંસ્થાઓ પાસે કરોડો રુપિયા એકત્ર થાય છે, તે સમાજના છે, છતાં તેનો ઉપયોગ ગોડસેવાદી નેતાની સ્તુતિ માટે વપરાય તે ઉચિત છે? લોકોની વેદનાને વાચા આપવા કેમ ક્યારેય મોં ખોલતા નથી? પાટીદાર આંદોલન વેળાએ પાટીદાર મહિલાઓ સમક્ષ ગંદી માંગણી કરતા અને મારઝૂડ કરતા પોલીસના વીડિયો જોઈને ઉમિયાધામ/ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન/ સરદારધામ/ ખોડલધામે તપાસ કરવાની માંગણી કેમ ન કરી? કિસાન આંદોલન વેળાએ ત્રણ કાળા કાયદાનું સમર્થન કેમ કરેલ? એટલું જ નહીં, ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે સમાજના આ સ્વઘોષિત નેતાઓએ ક્યારેય મોં ખોલ્યું છે? માત્ર સતાપક્ષની વાહવાહી માટે જ શામાટે મોં ખૂલે છે? વિચારો, સેવાકીય પ્રવૃતિઓ મુખ્ય છે કે સત્તાપક્ષની ચાપલૂસી?rs

[wptube id="1252022"]





