
હરિયાણાના નૂહમાં કોમી હિંસા ફાટી નીકળી હતી, જેમાં મૃત્યુઆંક વધીને ૬ થયો છે. એવામાં હિંસાની ઘટનાઓને લઇને સુપ્રીમ કોર્ટે પણ આકરુ વલણ અપનાવ્યું છે અને કહ્યું છે કે કોઇ પણ ધર્મ કે સમૂદાયની સામે ભડકાઉ ભાષણો આપવાથી બચવું જોઇએ. હિંસા રોકવા માટે વધુ પ્રમાણમાં સુરક્ષા જવાનો તૈનાત કરવા અને ઉશ્કેરણીજનક ભાષણો સામે આકરા પગલા લેવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. સાથે જ જે સંવેદનશીલ વિસ્તારો હોય ત્યાં સીસીટીવી કેમેરા લગાવવા પણ કહ્યું હતું. હરિયાણાના નૂહ અંગે થયેલી અરજીઓની સુપ્રીમ કોર્ટ દ્વારા તાત્કાલીક સુનાવણી કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ એસ વી ભટ્ટીની બેંચે આદેશ આપ્યો હતો કે સંવેદનશીલ વિસ્તારો હોય ત્યાં પ્રશાસન દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવે. સુપ્રીમ કોર્ટ દ્વારા આવા કેસોમાં ૨૧મી ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ જે આદેશો આપવામાં આવ્યા તેનું પાલન કરવા પણ કહ્યું હતું. હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હી એનસીઆર માટે આદેશ જારી કરાયા હતા. સુપ્રીમે કહ્યું હતું કે અમને આશા છે કે રાજ્ય સરકાર તકેદારી રાખશે કે કોઇ પણ રીતે ઉશ્કેરણીજનક ભાષણો કે નિવેદનો ન કરવામાં આવે. કેરળના પત્રકાર શાહીન અબ્દુલ્લા વતી વકીલ ચંદર ઉદયસિંહ દ્વારા હિંસાની ઘટનાઓ અને ઉશ્કેરણીજનક ભાષણોનો ઉલ્લેખ કરાયો હતો. જેથી સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યા હતા. શુક્રવારે આ મામલે વધુ સુનાવણી કરવામાં આવશે.
હરિયાણા સરકારના જણાવ્યા અનુસાર નૂહમાં ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં છ લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે ૧૧૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હિંસાના વિરોધમાં અને હિંસાખોરો સામે કાર્યવાહીની માગ સાથે દિલ્હી અને હરિયાણામાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેને પગલે શહેરી વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામની સમસ્યાઓ ઉભી થઇ હતી. સુપ્રીમ કોર્ટે નફરતભર્યા ભાષણો આપનારા સામે કાર્યવાહીના આદેશ આપ્યા હતા, જોકે વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંંગઠનો દ્વારા યોજાનારી રેલીઓને અટકાવવાની ના પાડી હતી.
હરિયાણાના નૂહની હિંસા ગુરૂગ્રામ બાદ હવે દિલ્હી નજીક પહોંચી ગઇ છે. એવામાં હરિયાણા સરકારે અર્ધ સૈન્ય દળની વધુ ચાર કંપનીઓને મોકલવાની માગણી કરી હતી. હાલમાં હરિયાણામાં અર્ધ સૈન્ય દળની ૨૦ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. જેમાં ૧૪ નૂહમાં, પલવલમાં ત્રણ અને ગુરૂગ્રામમાં બે તેમજ ફરિદાબાદમાં એક કંપનીનો સમાવેશ થાય છે. બીજી તરફ દિલ્હીના પણ સંવેદનશીલ વિસ્તારોમાં દિલ્હી પોલીસે સુરક્ષા વધારી દીધી છે. દિલ્હીના નિર્માણ વિહાર મેટ્રો સ્ટેશન પાસે હિન્દુ સંગઠનો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરાયા હતા, બાદમાં વિકાસ માર્ગને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા. દરમિયાન સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ ૩૭૦ને લઇને થયેલી અરજીઓની સુનાવણી ચાલી રહી છે. જોકે હરિયાણાની હિંસાઓ સંદર્ભે થયેલી અરજીઓની સુનાવણી માટે આ આર્ટિકલ ૩૭૦ અંગેની અરજીઓની સુનાવણી સુપ્રીમ કોર્ટે થોડા સમય માટે અટકાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.










