રશિયાની સરહદે નાટોએ તોપો ગોઠવી : શીત-યુદ્ધ પછી સૌથી મોટો લશ્કરી જમાવડો : 90 હજાર સૈનિકો મેદાનમાં

વોશિંગ્ટન : યુક્રેન યુદ્ધ સતત ભડકી રહ્યું છે, ત્યારે નાટો દેશોએ દશકો પછી સૌથી મોટો યુદ્ધાભ્યાસ કરવાના છે. આ રીતે તેઓ રશિયાની સામે શક્તિ પ્રદર્શન કરવા માગે છે. શીત-યુદ્ધ પછી સૌથી મોટા થનારા આ લશ્કરી જમાવડામાં ૯૦ હજાર સૈનિકો ભાગ લેવાના છે. આ પહેલો મોકો છે કે જ્યારે સંભવિત યુદ્ધ માટે આટલી મોટી તૈયારીઓ થઈ રહી છે.
આ યુદ્ધાભ્યાસ ફેબ્રુઆરીથી જૂન સુધી ચાલશે તેમ બ્રિટનના સંરક્ષણ મંત્રી ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું છે. આ યુદ્ધાભ્યાસમાં બ્રિટન ૨૦ હજાર સૈનિકો મોકલશે. ઉપરાંત ફાઈટર જેટસ, સર્વિલિયન્સ પ્લેન્સ, વૉર શિપ્સ અને સબમરીન પણ મોકલશે.
સ્વીડન હજી સત્તાવાર રીતે નાટોનું સભ્ય નથી બન્યું તેણે તે માટે આવેદન રજૂ કર્યું છે. પરંતુ હજી તેને નાટોનું સભ્ય બનાવાયું નથી. તે પણ આ યુદ્ધાભ્યાસમાં તેના સૈનિકો મોકલવાનું છે.
રશિયા-યુક્રેન યુદ્ધ હવે ત્રીજાં વર્ષમાં પ્રવેશશે. આ યુદ્ધમાં નાટો દેશોએ ખુલ્લી રીતે ભાગ નથી લીધો. પરંતુ યુક્રેનને શસ્ત્રો અને પૈસાની મદદ કરી છે. યુક્રેનની સેનાને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.
આ યુદ્ધ જો થશે તો તે વ્યાપક બનશે તે દ્રષ્ટિએ રશિયા સાથે સીમા ધરાવતા દેશો ફિનલેન્ડ, પોલેન્ડ અને હંગેરી વગેરે હાઇ એલર્ટની સ્થિતિમાં આવી ગયા છે. યુક્રેને નાટોમાં જોડાવા આવેદન કર્યું છે પરંતુ હજી કોઈ નિર્ણય લેવાયો નથી. જ્યારે સ્વીડનને તો લેવામાં આવશે જ.
૩૧ દેશોનાં બનેલાં નાટો સંગઠન આ યુદ્ધાભ્યાસ દ્વારા તેવું સ્પષ્ટતા દર્શાવવા માગે છે કે તેઓ બધા એક જૂથ છે. અને અમારાં સંગઠનના કોઈ પણ દેશને આંચ આવશે તો અમે રશિયા સાથે લોહા લેવા તૈયાર જ છીએ.
વાસ્તવમાં નાટો દેશોને ડર છે કે યુક્રેન યુદ્ધનો વિસ્તાર થશે તો તેઓ પણ ઝપટમાં આવી જશે. અમેરિકાના જનરલ ક્રિસ્ટોફર કેવોલીએ કહ્યું હતું કે, આ યુદ્ધાભ્યાસ દ્વારા અમે તે દર્શાવવા માગીએ છીએ કે અમેરિકા, યુરોપ અને એટલાંટિકના દેશો કેટલા એક જૂથ છે અને રશિયાની સામે પૂરેપૂરા તૈયાર છીએ.
નિરીક્ષકો કહે છે કે પૂર્વમાં ઉત્તર કોરિયા ફૂંફાંડા મારે છે. તાઈવાન પ્રશ્ન તોળાઈ રહ્યો છે. પ. એશિયામાં ઈરાન-પાકિસ્તાન વચ્ચે તણખા ઝરે છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધનો અંત દેખાતો નથી. ત્યાં ઉત્તર નાટો રશિયા યુદ્ધ જામશે તો પૃથ્વી પર ઓથાર છવાઈ જશે.










