
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્રએ રચનાત્મક અભિગમ સાથે દરેક નાગરિક તા.૭મી મે એ અચૂક મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે આગવી રીતે મતદાતાઓને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
માંગરોળમાં ગેસ એજન્સીઓ સાથે સહયોગ સાધી ગેસ સિલિન્ડર પર અચૂક મતદાન કરવાના સંદેશ આપતા સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે. જાણે ગેસ સિલિન્ડર કહી રહ્યા છે, તા.૭-૫-૨૦૨૪ના રોજ મંગળવારે હું ચોક્કસપણે મતદાન કરીશ જ…. આમ, અવસર લોકશાહીનો, અવસર મારા ભારતનો… તેવા મતદાન માટે પ્રેરિત કરતા સ્ટીકર ગેસ સિલિન્ડર પર લગાવવામાં આવ્યા છે. આમ, ઘર-ઘર સુધી અચૂક મતદાનનો સંદેશ પહોંચી રહ્યો છે.
મતદાન જાગૃતિના સંદેશ સાથેના આ ગેસ સિલિન્ડર ઘર-ઘર સુધી પહોંચાડતા ડીલવરી મેનના ઉત્સાહમાં પણ વધારો થયો હતો. તેમણે પણ તા.૭મી મે એ અચૂક મતદાનની નેમ વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણી તંત્ર નવતર અભિગમ અને જુદા જુદા માધ્યમો દ્વારા દરેક નાગરિક સુધી તા.૭ મી મેએ અચૂક મતદાનનો સંદેશ જન જન સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.





