
તા.૨૨/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Dhoraji: આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ અભિયાન (SVEEP) કાર્યક્રમ અંતર્ગત ૧૮ વર્ષ પૂર્ણ કરેલા યુવાનો તેમનું નામ મતદારયાદીમાં નોંધાવે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે અંગે જાગૃતિ કેળવવા ધોરાજી આઈ.ટી.આઈ. ખાતે મતદાર સાક્ષરતા/જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

દેશની લોકશાહી વધુ સશકત બને અને મહત્તમ નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે નવા મતદાર તરીકે નોંધણી કરાવવા લાયક યુવા મતદારોને આ તકે પ્રોત્સાહીત કરવામાં આવ્યાં હતા. કોઇ પણ યુવાન મતદાર પોતાનું નામ મતદાર યાદીમાં નોંધણી કરાવ્યા વિના રહી ન જાય અને નામ નોંધણી કરાવી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી સ્થળ પર જ દરેક વિદ્યાર્થીઓને નવા ચુંટણી કાર્ડ કાઢવા માટેની જરૂરી પ્રક્રિયા કરી ફોર્મ ભરી આપવામાં આવ્યા હતા.

આ તકે ધોરાજી પ્રાંત અધિકારીશ્રી એ.આર. પટેલે યુવાઓને સંબોધતા જણાવ્યું હતું કે, દેશનાં વિકાસમાં યુવાનોનું યોગદાન અતિ આવશ્યક છે ત્યારે લોકશાહીને વધુ સશકત બનાવવા મતાધિકારોનો અચૂકપણે ઉપયોગ કરવો જોઇએ. યુવાનોને કોઇપણ નાગરિક મતદાનથી વંચિત રહી ન જાય ત માટે યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. યુવા વિદ્યાર્થીઓએ મતદાનની મહત્તા સમજીને પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવો જોઇએ. આ માટે સ્વયં જાગૃત થઇને મતદાતા તરીકે નોંધણી કરવી નૈતિક ફરજ છે.
આજની યુવા પેઢી ટેકનોલોજી સાથે જોડાયેલી છે ત્યારે ટેકનોલોજીના માધ્યમનો ઉપયોગ કરીને મતદાર યાદીમાં નામ નોંધાવાથી લઈને સુધારા વધારા પણ ઘરે બેઠાં આંગળીના ટેરવે ઓનલાઇન પોર્ટલ, વોટર એપના માધ્યમથી કઈ રીતે કરી શકાય તે અંગે પણ ધોરાજી નાયબ મામલતદારશ્રી એસ.જે. પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધોરાજી પ્રાંત કચેરીના નાયબ મામલતદારશ્રી જયશ્રીબેન ગઢવી, સંસ્થાના પ્રિન્સિપાલશ્રી વિકાસ ભેસાણીયા, સ્ટાફગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.








