
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ઝાંઝરી ધોધ ભોગિયો બન્યો..!! અમદાવાદનો શાહરુખ નામનો યુવક ડૂબ્યો,ગત વર્ષે રમઝાન ઈદમાં ત્રણ લઘુમતી યુવકોને ભરખી ગયો હતો

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ નજીક આવેલ ઝાંઝરીનો ધોધ ગુજરાતના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે ઝાંઝરી ધરાને ભોગિયો ધરો પણ ઓળખાવામાં આવે છે. ધોધના નજીક આવેલા ધરામાં પાણીમાં નાહવા પડતા અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. અમદાવાદ સોનીની ચાલીમાં અનસન નગરમાં રહેતા યુવાનો રમજાન ઈદની રજા માણવા આવ્યા હતા.ઝાંઝરીના ધરામાં ન્હાવા પડતા એક યુવક પાણીમાં ગરકાવ થતા ચકચાર મચી છે ઝાંઝરી ધોધમાં યુવક ડૂબતા આંબલીયારા ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની શોધખોળ હાથ ધરી હતી. રાત્રીના અંધારામા પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. ગત વર્ષે રમજાન ઇદમાં અમદાવાદ રખિયાલ વિસ્તારના ત્રણ યુવકો ડૂબી ગયા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની સોનીની ચાલી અનસન નગર ગીતા જોરી સિનેમા વિસ્તારમાં રહેતો શાહરુખ રમજાન અંસારી નામનો યુવક અન્ય લોકો સાથે ઝાંઝરી ધોધના કુદરતી સાનિધ્યનો નજારો માણવા આવ્યો હતો.ધોધથી આકર્ષાઈ યુવક અને તેની સાથે રહેલા લોકો ન્હાવા પડતા શાહરુખ અંસારી નામનો યુવક ડૂબી જતા સાથે રહેલા અન્ય યુવકો હેબતાઈ ગયા હતા. યુવક ડૂબી ગયાની બુમાબુમ કરતા સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને આંબલીયારા પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી હતી. ધોધમાં ગરકાવ થઇ ગયેલા મૃતક યુવકોના મૃતદેહને શોધવા ભારે જહેમત હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર અને પોલીસ દ્વારા ઝાંઝરી ભોગિયા ધરામાં નાહવા ન પડવા સૂચન બોર્ડ લગાવ્યા હોવા છતાં આ સૂચનાનો ભંગ કરી યુવકો નાહવા પડતા હોવાથી છેવટે જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.








