ARAVALLIBAYAD

બાયડ તાલુકાના વાત્રક ખાતે અદ્યતન મોતિયા હોસ્પિટલનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

કિરીટ પટેલ બાયડ
અરવલ્લીના વાત્રક ગામે અદ્યતન મોતિયા હોસ્પિટલનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાત્રક ખાતે શ્રીમતી ‘બેલાબેન અને યોગેશભાઈ પટેલ આંખની હોસ્પિટલ’નું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે હમણાં તાજેતરમાં ઊજવાયેલ વિશ્વ આદિવાસી દિવસે સમગ્ર મંત્રીમંડળ દ્વારા આદિજાતિ વિસ્તારોનો પ્રવાસ કરવામાં આવ્યો. આદિવાસી વિસ્તારોનો વિકાસ જોઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવતી વિકાસની રાજનીતિના દર્શન થયા, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે અંતરિયાળ આદિજાતિ વિસ્તારોમાં આજે શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી, રોડ રસ્તા અને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ બની છે. બાળકો મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં જોડાઈ રહ્યા છે અને સરકાર દ્વારા મળતી આર્થિક સહાય તેમને ઉપયોગી બની રહી છે, એનો આનંદ છે, એવું તેમણે ઉમેર્યું હતું
વધુમાં મુખ્યમંત્રીએ તાપી જિલ્લાના બોર્ડર વિલેજમાં પોતાના રાત્રિ રોકાણના અનુભવ વિશે વાત કરતાં જણાવ્યું કે એક શિક્ષકના ઘરે રોકાવાનું બનેલું ત્યારે માળખાકીય સુવિધાઓ જોઈને ખૂબ જ પ્રસન્નતા થઈ અને વિકાસને ફળીભૂત થતા જોયો. આજે આદિજાતિ વિસ્તારનું છેવાડાનું ગામ પણ આટલું માળખાકીય સુવિધાઓથી સજ્જ છે, એ ગુજરાત માટે ગૌરવની વાત છે, એવું તેમણે ઉમેર્યું હતું.

વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જસદણના એક નાના ગામમાં પણ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે. ત્યાં એક વર્ષ બાદ મુલાકાત લેતા નવા વિભાગો નિર્માણ પામ્યા છે. આયુષ્યમાન કાર્ડ દ્વારા સારામાં સારી હોસ્પિટલોમાં નાગરિકોને મફત સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સારાં કાર્યોમાં પ્રજાના સાથ-સહકાર એટલા જ જરૂરી છે. સારા વિચારોના પરિણામે આ બધું શક્ય બને છે, એવું તેમણે ઉમેર્યું હતું.

આરોગ્ય ક્ષેત્રે નેત્ર જ્યોતિ અભિયાન થકી આપણે 6.36 લાખથી વધુ મફત મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા છે. પ્રતિ લાખની વસ્તીએ 1000 મોતિયાના ઓપરેશન કરવાનું લક્ષ્ય છે, જેની સામે આપણને આ સુંદર સફળતા મળી છે. આ હોસ્પિટલ અહીંના આસપાસના વિસ્તારના લોકો માટે ઉપયોગી માધ્યમ પુરવાર થશે, તેવી આશા છે. આરોગ્ય ક્ષેત્રે કોઈ પણ ક્ષેત્રમાં મદદની જરૂર હોય તો સરકાર હંમેશાં તત્પર છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં આપણે ત્યાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘મેરી માટી મેરા દેશ’ના કાર્યક્રમો ચાલી રહ્યા છે. વિકસિત ભારતના નિર્માણ માટે પાંચ સંકલ્પ લઈ ‘મારી માટી મારો દેશ’ અભિયાનને સફળ બનાવવા અપીલ કરતાં સૌ નાગરિકોને સ્વચ્છ ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સહભાગી થવા અપીલ કરી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે દાતાશ્રીઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, દાતા મિલનભાઈ, રમેશભાઈ, રાજેન્દ્રભાઈ, ભૂષણભાઈ, ડો. ડી.કે. જૈન, હોસ્પિટલના ડોક્ટરો સહિતનો કર્મચારીગણ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button