
મોરબીમાં ડો.બાબા સાહેબ આંબેડકરના ૧૩૨માં જન્મ જયંતિ નિમિતે રેલી યોજાઈ

મોરબી : મોરબી જિલ્લા ના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયતિ નિમિતે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. જેમાં જયભીમના નાદ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

મોરબીના રોહિદશ પરા અને સ્ટેશન રોડ ખાતેથી ડો. બાબા સાહેબ આંબેડકરની રેલીનું પ્રસ્થાન થયું હતું. આ ભવ્ય રેલીમાં ભગવાન બુદ્ધ અને ડૉ. બાબા સાહેબ આંબેડકરના આકર્ષક ફ્લોટ રાખવામાં આવ્યા હતા. વિશાળ રેલીમાં જય ભીમના નારા સાથે ડીજેના તાલ સાથે ઝૂમીને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આ રેલી શહેરના મુખ્યમાર્ગો ઉપર ફરીને ગાંધીચોક પાસે નગરપાલિકા ખાતે આવેલ ડો. બાબા સાહેબની પ્રતિમા ખાતે પહોંચીને પૂર્ણ થઈ હતી. જ્યાં સમાજના અગ્રણીઓ અને રાજનેતાઓએ ડો. બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર અને પુષ્પાજલી અર્પણ કરી હતી. જ્યારે રાત્રે ભીમ ભજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ રેલી દરમ્યાન સામાજિક આગેવાનો અને અન્ય સમાજના લોકોએ રેલીનું સ્વાગત કર્યું હતું









