RAMESH SAVANI
Ramesh Savani : ‘સ્વામીની વાતો’ પુસ્તક પ્રસિદ્ધ તથા વિતરણ નહીં કરવા નોટિસ આપેલ, તે પુસ્તક ઉપર જ BAPSનું સામ્રાજ્ય ઊભું થયું છે !

[ભાગ-6]
‘મૂળ અક્ષર ગુણાતીતાનંદ’ એ BAPSનું સર્જન છે; આવું શિક્ષાપત્રીમાં નથી, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ ગ્રંથમાં કોઈ જગ્યાએ ‘મૂળ અક્ષર ગુણાતીતાનંદ’ નામનો કોઈ ઉલ્લેખ નથી. ટૂંકમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ એક ધાર્મિક વિચાર નથી. જુદા જુદા ફાંટાઓ પોતાને અનુકૂળ હોય તે રીતે ચાલે છે. તિલક-ચાંદલા સિવાય કંઈ સરખાપણું નથી ! જે સ્વામિનારાયણના ભક્તો નથી તેમને બધાં ફાંટાના સ્વામિઓ એક સરખા લાગે છે, પણ વિચારસરણીમાં તફાવત છે. સહજાનંદજી ‘સર્વોચ્ચ ભગવાન છે’ તેવો દાવો કરનારા ભક્તો એટલું સમજી શકતા નથી કે પોતાના સર્વોચ્ચ ભગવાન પોતાના જ ફિરકાઓમાં એકતા/ બંધુત્વ/ ભાઈચારો સ્થાપવામાં બિલકુલ નિષ્ફળ ગયા છે !
બોરસદ કોર્ટમાં વાદી આનંદપ્રસાદજી તરફથી સાક્ષી હરિજીવનદાસે જુબાનીમાં કહ્યું કે “વચનામૃતમાં કોઈ ઠેકાણે ગુણાતીતાનંદ સ્વામીએ પૂછેલો પ્રશ્ન આવતો નથી. તેમાં 50 સાધુઓએ પ્રશ્નો પૂછેલા છે. અમારા સંપ્રદાયની વ્યવસ્થા જાળવવા શ્રીજીમહારાજે કુલ 16 સદગુરુઓ નીમેલા, તેમાં પણ ગુણાતીતાનંદ સ્વામીનું નામ નથી. શ્રીજીમહારાજ અંતર્ધાન થયા ત્યારે પણ ગુણાતીતાનંદને બોલાવ્યા ન હતા. ‘ગુણાતીત સ્વામીની વાતું’ પુસ્તકની કેટલીક વાતો ઊપજાવી કાઢેલી છે !”
31 મે 1903 ના રોજ ફરિયાદ પક્ષ વડતાળ ગાદી તરફથી ‘ગુણાતીત સ્વામીની વાતું’ પુસ્તક પ્રસિંદ્ધ કરનારને નોટિસ આપેલ હતી : “શ્રીપ્રગટ પુરુષોત્તમ ઉપાસક સર્વોપમાલાયક વૈજનાથ કરસનજી તથા છગનલાલ ધનેશ્વર…આપે જે ’સ્વામીની વાતું અથવા અનાદિ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના વચન’ એ નામનું પુસ્તક બહાર પાડેલું છે તે જોઈ વાંચીને તમને નોટિસ આપવી પડે છે કે શ્રીપ્રગટ પુરુષોત્તમ મહારાજ શ્રીસહજાનંદ સ્વામીની આજ્ઞા અનુસાર તથા શ્રી ઉદ્ધવ સંપ્રદાયની રૂઢિ મુજબ તમારે તે પુસ્તક છપાવતાં પહેલા અત્રેના મંદિર તરફથી યોગ્ય સંમતિ લેવી જોઈતી હતી. તમારા તરફથી આવા પ્રકારની ગંભીર ભૂલ થવાથી અને તેથી સદરહુ પુસ્તકમાં લખેલી હકીકતને તપાસવાની તક અમને નહીં મળવાથી તથા તે પુસ્તક છપાવવામાં મારાજની આજ્ઞા તથા આપણા સંપ્રદાયની સનાતન રૂઢિ જળવાઈ છે કે નહીં તે બાબત વિચારવાનો પ્રસંગ અમને નહીં મળેલ હોવાથી અમને બહુ ઠપકો મળ્યો છે અને મળે છે તેના જવાબદાર તમે છો… અમુક બાબત છપાવી પ્રસિદ્ધ કરવી તે અને તે જ બાબત અમુક પ્રસંગે અમુક હરિભક્તોના સમૂહોમાં કહેવી એ બે વિષય તદ્દન જુદા જ પ્રકારના છે. એવા વચન તો પ્રગટ પ્રમાણ પરમ કલ્યાણકારી પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામીના શ્રી વચનામૃત પુસ્તકમાં છે… તમોએ વગર સંમતિએ પ્રસિદ્ધ કરેલા પુસ્તકોની અંદર કેટલાક એવા વચન છે કે જે વચનો મારી અલ્પબુદ્ધિ અનુસાર તથા કેટલાક મોટા સાધુ બ્રહ્મચારીના કહેવા મુજબ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી પોતે જ છાપીને જાહેર પ્રસિદ્ધિમાં મુકવા માટે આજ્ઞા ન કરે. માટે બહુ વિચારવાનું છે અને તમારે સદરહુ પુસ્તકો બહાર પાડતાં પહેલાં બહુ જ વિચારવું જોઈતું હતું… થવાનું થઈ ગયું પરંતુ તે જ પુસ્તકોની નવીન આવૃત્તિ તથા વધારે પુસ્તકો હવે છપાવશો નહીં કે પ્રસિદ્ધિમાં લાવશો નહીં તો જ અત્રે નો ઉદ્દેશ સફળ થયો ગણાશે. એ જ અરજ… લિખિતંગ શુભેચ્છક શ્રી વડતાલવાસી શ્રીલક્ષ્મીનારાયણ દેવની ગાદીના આચાર્ય મહારાજશ્રી લક્ષ્મીપ્રસાદજી મહારાજના કુલવાદી કોઠારી શ્રી ગોવર્ધનભાઈના તરફથી અને સૂચનાથી વકીલ મૂળજી હરગોવિંદદાસ.”
વડતાળ ગાદી માત્ર નોટિસ આપીને અટકી ન હતી; પરંતુ તાબાના તમામ મંદિરોને પત્રો લખીને ‘સ્વામીની વાતું’ પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો હતો ! સહજાનંદજીનું અવસાન 1 જૂન 1830 ના રોજ થયું હતું. 73 વરસમાં સંપ્રદાયમાં નોટિસ આપવાની સ્થિતિ ઊભી થઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે ‘સ્વામીની વાતો’ પુસ્તક પ્રસિદ્ધ તથા વિતરણ નહીં કરવા નોટિસ આપેલ તે પુસ્તક ઉપર જ BAPSનું સામ્રાજ્ય ઊભું થયું છે ! ‘સ્વામીની વાતો’ પુસ્તક સ્વામિનારાયણ અક્ષરપીઠ, શાહીબાગ, અમદાવાદ તરફથી પ્રગટ થયું છે. પ્રસ્તાવનામાં લખ્યું છે : “અનાદિ અક્ષરબ્રહ્મ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતું એટલે શ્રીજીમહારાજના ‘વચનામૃત’ ઉપરનું ભાષ્ય. શ્રીજીમહારાજે કહેલા વચનામૃતની પરાવાણી યથાર્થ સમજવી હોય તો સ્વામીની વાતુંનું અધ્યયન કરવું જ રહ્યું. જેમ વચનામૃત એ સંપ્રદાયનો રહસ્ય ગ્રંથ છે, તેમ ‘સ્વામીની વાતો’ એ પણ સંપ્રદાયનો રહસ્ય ગ્રંથ જ છે.”
‘સ્વામીની વાતો’ પુસ્તકમાં શું છે? [1] સારંગપુરમાં હુતાશની- રાસોત્સવ ખેલતાં શ્રીહરિ(સહજાનંદજી)એ મુક્તાનંદ સ્વામી અને આનંદાનંદ સ્વામીને કહ્યું હતું : ‘કોટિ કૃષ્ણ જોડે હાથ, કોટિ વિષ્ણુ નમે નાથ; કોટિ બ્રહ્મા કથે જ્ઞાન, કોટિ શિવ ધરે ધ્યાન, સદગુરુ ખેલે વસંત… એવા સદગુરુ તો આ ગુણાતીતાનંદ સ્વામી છે, તે મૂળ અક્ષર છે અને અમે તો પુરુષોત્તમ નારાયણ છીએ ! (પેજ-15) [2] એક પ્રસંગે વડતાળમાં સહજાનંદજીએ મુક્તાનંદ સ્વામીને કહ્યું હતું : આ ગુણાતીતાનંદ સ્વામી તો અનાદિના મોટા છે, માતાના ગર્ભમાં આવતાં પહેલાં, ગર્ભમાં આવ્યા ત્યારે અને અત્યારે નિરંતર અમારી મૂર્તિ ધારી રહ્યા છે. (પેજ-16) [3] કચ્છ-ભૂજના રવજી સુથાર શ્રીજીમહારાજના ભક્ત હતા. તેઓ વિધુર થયા ત્યારે શ્રીજી મહારાજે તેમને બીજું લગ્ન કરવા ના પાડી, છતાં તેમણે મહારાજને ખૂબ વિનંતી કરી. તેથી ફરી લગ્ન કરાવી આપ્યા. બાઈ મહારાજની પરમ ભક્ત હતી, તેથી શ્રીજીમહારાજ બાઈને કહે છે : ‘બીજાને એક જમપૂરી અને તારે માથે બે. કારણ કે મારા ભક્તને તેં મોહ પમાડ્યો છે !’ પછી એ બાઈએ ક્ષમા માંગી ત્યારે શ્રીજી મહારાજ તેને ઉપાય બતાવતા કહે : ‘રવજી કહે તેનાથી ઊંધું જ કરવું, તેની આસક્તિ તોડવા માટે.’ પત્નીના આવા વિપરીત વલણથી ધીરે ધીરે રવજી સુથાર કંટાળી ગયા. છેવટે મહારાજે બાઈના દેહમાં ભયંકર રોગ મૂક્યો. તેની સુશ્રૂષા કરી કરીને રવજી સુથારને સંસાર પ્રત્યે તદ્દન નફરત થઈ ગઈ. અંતે શ્રીજીમહારાજે તેમને વાસના મુક્ત કરી ત્યાગીની દીક્ષા આપી હતી ! (પેજ- 10) [4] સ્વામિનારાયણ મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ બળિયો નથી, અને એ મંત્રે કાળા નાગનું પણ ઝેર ન ચડે ! એ મંત્રથી કાળ/ કર્મ/ માયાનું બંધન છૂટી જાય છે ! [5] આ પૃથ્વીના સર્વ જીવ-પ્રાણીમાત્ર રાજા, પ્રજા આદિક છે પણ જો ઇન્દ્ર વરસાદ ન વરસાવે તો સર્વ મરી જાય. અને તે ઇન્દ્ર/ બ્રહ્મા/ વિષ્ણુ/ શિવ આગળ ગણતરીમાં નથી, ને એ સર્વે વૈરાટની આગળ ગણતરીમાં નથી. ને તે વૈરાટ પ્રધાનપુરુષની આગળ ગણતરીમાં નથી. ને એ સર્વે અક્ષરની આગળ ગણતરીમાં નથી. અને તે અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ તે આજ આપણને સાક્ષાત્ મળ્યા છે. માટે તેનું બળ રાખવું. (પેજ-38) [6] અનંત કોટિ બ્રહ્માંડ છે. ને તે સર્વ બ્રહ્માંડમાં અનંત કોટાનકોટિ ભગવાનની મૂર્તિયું છે. એ સર્વના કારણ સ્વામિનારાયણ ભગવાન છે, એમ સમજવું. (પેજ-82) [7] રામચંદ્ર ને કૃષ્ણ તે ફૂલવાદીને ઠેકાણે છે, તે તો પોતાનું વચન માને તેનું કલ્યાણ કરે; જ્યારે સહજાનંદજી ગારડીને ઠેકાણે છે ને તેમની આગળ તો જીવ/ ઈશ્વર/ પુરુષ ને અક્ષરાદિક તે સર્વે હાથ જોડીને ઊભા છે. સહજાનંદજી તો સર્વોપરી/ સર્વ અવતારના અવતારી/ સર્વ કારણના કારણ છે. જો સહજાનંદજીને; રામચંદ્ર જેવા જાણશે તો તે વૈકુંઠમાં જશે, તેમાં ચાર હાથ ને મહાકુટ્ય, એમાં શું? એ તો કંઈ ઠીક નહીં. ને કૃષ્ણ જેવા જાણશે તો તે ગોલોકમાં જાશે, ત્યાં ગાયું, વાછરડા ને ગોપ-ગોપિયું છે, તેમાં પણ શું? માટે અક્ષરધામ જેવું ક્યાંય સુખ નથી. તે માટે સહજાનંદજીને પુરુષોત્તમ જાણવા. બીજા ધામને અને અક્ષરધામને તથા બીજા અવતાર અને સહજાનંદજીને એકસરખા કહે તેને પંચ મહાપાપીથી પણ વધુ પાપી જાણવો અને તેનો સંગ ન કરવો. (પેજ-97/ 102/ 246/ 247) [8] માણાવદરમાં મયારામ ભટ્ટને ઘેર સહજાનંદજીએ પઠાણને સમાધિ કરાવી અને સર્વે પેગંબર/ સર્વે અવતારના દર્શન અક્ષરધામમાં કરાવ્યા. (પેજ-328) [9] અમદાવાદમાં એક દુષ્ટે સંતને કષ્ટ આપ્યું. તેથી સહજાનંદજી ઉદાસ થઈને બેઠા. તેટલામાં બ્રહ્મા વગેરે દેવોએ જાણ્યું કે આજ તો સર્વ બ્રહ્માંડનો નાશ થઈ જાશે. એટલામાં મહાકાળ/ સંકર્ષણ/ શિવ વગેરે આવીને પ્રાર્થના કરવા લાગ્યા કે ‘હે મહારાજ ! તમે આજ્ઞા કરો. અમે તમારા સેવક છીએ. તમારા સંતને કષ્ટ દેનારો કોણ છે? તેનો ક્ષણમાત્રમાં નાશ કરી નાખીએ.’ (પેજ-337)
થોડાં પ્રશ્નો : [1] કોટિ કૃષ્ણ જોડે હાથ એવા ગુણાતીતાનંદ સ્વામી હોય તો તેને વારસદાર તરીકે શામાટે નિમણૂંક ન કરી? તે મૂળ અક્ષર એટલે શું? શું ભક્તોને આંજી નાખવાની આ યુક્તિ નથી? [2] માતાના ગર્ભમાં આવતાં પહેલાં, ગુણાતીતાનંદ સ્વામીની જાણકારી મળી જાય? [3] સહજાનંદજીએ રવજી સુથારનાં પત્નીના દેહમાં ભયંકર રોગ મૂક્યો ! શું આ ‘સર્વોચ્ચ ભગવાન’/ ‘સંત’ના લક્ષણ છે? સહજાનંદજીમાં સામાન્ય માણસાઈ પણ નહીં હોય? જો સહજાનંદજી સર્વોચ્ચ ભગવાન હોત તો શામાટે ડાયરેક્ટ રવજી સુથારને જ પ્રેરિત ન કરી શક્યા કે તેઓ સીધી રીતે જ દીક્ષા લઈ લે? વળી, રવજી સુથારના પત્ની તો ભક્ત હતા, છતાં તેના શરીરમાં ભયંકર રોગ દાખલ કરવાનું સહજાનંદજીને કેમ સૂઝ્યું હશે? રવજી સુથારની પત્નીને વિરુદ્ધ વર્તન કરવાનું કહે અને તેનાથી રવજી સુથારને વૈરાગ્ય જન્મે/ વાસના દૂર થાય, આ વાત તો તદ્દન અવૈજ્ઞાનિક, અતાર્કિક અને અમાનવીય છે, આને ધાર્મિક કે આધ્યાત્મિક વાત તો કહી જ કેમ શકાય? શું આ ધર્મ છે કે પાખંડ? શું આ વિશ્વાસઘાત/ છેતરપિંડી નથી? [4] સ્વામિનારાયણ મંત્ર બહુ બળિયો હોય તો બોરસદની કોર્ટમાં જવું પડે? [5] સહજાનંદજી ઇન્દ્ર/ બ્રહ્મા/ વિષ્ણુ/ શિવ કરતા ચડિયાતા હોય તો પોતાના અંગરક્ષક તરીકે મુસલમાનને રાખવા પડે? [6] સહજાનંદજી જો અનંત કોટિ બ્રહ્માંડના સ્વામી હોય તો 49 વરસની વયે માંદગીમાં મૃત્યુ પામે? [7] ‘બીજા ધામને અને અક્ષરધામને તથા બીજા અવતાર અને સહજાનંદજીને એકસરખા કહે તેને પંચ મહાપાપીથી પણ વધુ પાપી જાણવો !’ શું આ પાખંડ નથી? આ કેવી આત્મઘેલછા? કેવી ઠગાઈ? [8] અક્ષરધામમાં સર્વે ‘પેગંબર’ દેખાય? [9] જો સહજાનંદજી સર્વોપરી/ સર્વ અવતારના અવતારી/ સર્વ કારણના કારણ હોય તો પોતાના સંતને કષ્ટ આપનારને સીધો ન કરી શકે? શામાટે ઉદાસ થઈને બેસી જાય? દરેક વખતે શિવ વગેરે દેવોની સહાય લેવી પડે?rs

[wptube id="1252022"]





