
22-નવેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી બિદડા કચ્છ :- વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી ધબકતા માંડવી તાલુકાના ગામ બિદડામાં આજુબાજુના ગામોના યુવક યુવતીઓ માટે સિમાચિહ્નરૂપ પ્રોજેકટ એવા સૈનિક અકાદમીનું ઉદ્ઘાટન દિપ પ્રાગટયથી કરવામાં આવ્યું હતું. કચ્છ નવનિર્માણ અભિયાન અને આરતી ફાઉન્ડેશન ટ્રસ્ટી લાલ રાંભિયા પ્રેરિત અને શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર કચ્છ યુવક સંઘ તથા ભુજમાં કાર્યરત શક્તિ ડિફેન્સ અને પોલીસ અકાદમીના સંયુક્ત ઉપક્રમે શરૂ થયેલી આ અકાદમી બિદડાની આજુબાજુના ગામડાઓના યુવાધન માટે રાષ્ટ્ર સેવા સાથે સ્વમાનભેર આજીવિકાની ઉમદા તક પૂરી પાડશે. ભારતીય સેનામાં સત્તર વર્ષ સેવા આપી નિવૃત્ત થયેલ ઉમેદસિંહ સોઢા ભરતીની પરીક્ષા માટે જરૂરી શારીરિક ટ્રેનિંગ આપશે જ્યારે લેખિત કોર્ષ માટે રાજસ્થાનના નિષ્ણાત આર્મી શિક્ષકને નિયુક્ત કરવામાં આવ્યા છે. વહીવટની જવાબદારી ડો. પંકજ શાહ સંભાળશે. કોઇપણ આળપંપાળ વિનાના આ કાર્યક્રમની ભૂમિકા અને રાષ્ટ્ર સેવાનું મહત્ત્વ સમજાવતાં શ્રી રાંભિયાએ જણાવ્યું હતું કે દરેક બાબતોમાં અગ્રેસર ગુજરાત રાજ્ય લશ્કરી ભરતીમાં ખૂબ જ પાછળ-સોળમા ક્રમે છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી નોંધાયેલા સાડા ચાર લાખ ઉમેદવારમાંથી માત્ર સાત હજાર પાસ થયા હતા. કારણ યોગ્ય માર્ગદર્શન અને ફિઝીકલ ફિટનેસનો અભાવ ! આ સમસ્યાના નિરાકરણ માટે સૈનિક અકાદમી પરિણામલક્ષી કાર્ય કરશે. કચ્છ યુવક સંઘના મોભી કોમલ છેડાએ સૈનિક અકાદમીને સરહદી વિસ્તાર કચ્છ માટે ક્રાંતિકારી સાહસ ગણાવ્યું હતું. જાણીતા સમાજ સેવક મહેન્દ્ર ગઢીએ ઇઝરાયેલનું દૃષ્ટાંત આપી દરેક ઘરમાંથી એક યુવાએ આર્મી ટ્રેનિંગ લેવાનું આહવાન કર્યું હતું. પ્રો. હીનાબા જાડેજાએ દિકરીઓને પણ રાષ્ટ્રસેવાના આ મહાયજ્ઞમાં જોડાવા અપીલ કરી હતી. નિયામક ઉમેદસિંહે ટ્રેનિંગની પ્રક્રિયા સમજાવી હતી. બોરીવલી-મુંબઇના નગરસેવક હરીશ છેડા ઉપરાંત અખિલેશ અંતાણી, કનુભા જાડેજા, રાજુ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેનિંગ ઝંખતા ઉમેદવારોમાં યુવકો જેટલી જ કન્યાઓની હાજરી નોંધપાત્ર હતી. વ્યવસ્થા કચ્છ યુવક સંઘના કાર્યકર હરેશ પટેલે સંભાળી હતી. સંચાલન દિશા પટેલે કર્યું હતું. ઉમેદવારોને સમય, શિસ્ત, સ્થળ, ડ્રેસ કોડ, ટ્રેનિંગ પ્રક્રિયા ઇત્યાદિથી માહિતગાર કરાયા હતા. લાંબેથી આવવા ઇચ્છુક ઉમેદવારો માટે હોસ્ટેલની વ્યવસ્થા પણ કરવામાં આવશે. વધુ માહિતી માટે 9757218555 અને 9680934540 પર સંપર્ક કરવા જણાવાયું હતું.










