RTI : ગુજરાતના માહિતી આયોગે એક વર્ષમાં 6676 કેસનો નિકાલ કર્યો,નવા 10025 કેસ રજીસ્ટર થયા

અમદાવાદઃ કેન્દ્રની તત્કાલિન UPA સરકારે માહિતી અધિકાર કાયદો 2005માં સંસદમાં પસાર કર્યો હતો અને 12 ઓક્ટોબર 2005થી દેશભરમાં અમલી બન્યો હતો. ત્યારે આ કાયદાને 18 વર્ષ પૂર્ણ થયાં છે. છેલ્લા 18 વર્ષમાં આ કાયદાનો વ્યાપક ઉપયોગ થયો છે. સામાન્ય નાગરિકોથી લઈને સંશોધકો, પત્રકારો, કર્મશીલો અને રાજકીય કાર્યકર્તાઓએ પણ આ કાયદાનો ઉપયોગ કરીને તેમના પ્રશ્નોને ઉજાગર કરવાની કોશિશ કરી છે. જનતાના સવાલોને જવાબ આપવામાં તંત્રની સજ્જતા, અભિગમ અને ઈચ્છા ઓછી હોવાનું પણ ઉજાગર થયું છે.
રીપોર્ટ પ્રમાણે એક વર્ષ દરમ્યાન દેશભરના આયોગ લગભગ 2.14 લાખ કેસિસનો નિકાલ કરે છે, જ્યારે 2.20 નવા કેસ વર્ષ દરમ્યાન રજીસ્ટર પણ થાય છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા એક વર્ષમાં 6676 કેસનો નિકાલ કરાયો છે જ્યારે નવા 10025 કેસ રજીસ્ટર થયા છે. ગુજરાતમાં હાલમાં 4 કમિશ્નર છે, અને 4632 કેસિસ પડતર છે, એટ્લે કોઈ પણ અરજદારને 8 મહિના સુધી સુનાવણી માટે રાહ જોવી પડે છે. ગત વર્ષ દરમ્યાન દેશભરના માહિતી આયોગો દ્વારા 8074 કેસ માં પેનલ્ટી થઈ છે, જેની રકમ 15.37 કરોડ થાય છે. સૌથી વધુ પેનલ્ટી ઉત્તર પ્રદેશ માહિતી આયોગ દ્વારા કરવામાં આવી છે, જે 10.39 કરોડ જેટલી છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા વર્ષ દરમ્યાન 150 કેસિસ માં 12,75,500/- જેટલો દંડ કર્યો છે.
દિલ્હી સ્થિત સતર્ક નાગરિક સંગઠન દ્વારા દેશભરના રાજ્ય માહિતી આયોગો અને કેન્દ્રીય માહિતી આયોગનો અભ્યાસ કરીને એક રીપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં અનેક પ્રકારની હકિકતો બહાર આવી છે.મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, પશ્ચિમ બંગાળ તેમજ કેન્દ્રિય માહિતી પંચમાં સમયસર નિમણૂક ન થવાના કારણે પડતર કેસોનો ભાર વધતો જાય છે. માહિતી અધિકાર કાયદાની કલમ 25 મુજબ માહિતી આયોગે તેમનો વાર્ષિક અહેવાલ વિધાનસભામાં રજૂ કરવાનો થાય છે. તેમાં પણ માહિતી આયોગો દ્વારા ચૂક થાય છે. કેન્દ્રિય માહિતી આયોગ અને અન્ય 8 આયોગ (ગુજરાત, કેરળ, મણિપુર, છત્તીસગઢ, મિઝોરામ, નાગાલૈંડ, સિક્કિમ ને બાદ કરતાં 19 જેટલા માહિતી આયોગોએ તેમના વાર્ષિક અહેવાલો બનાવ્યા નથી. જ્યારે આંધ્રા પ્રદેશ અને તેલંગાણા માહિતી આયોગે અલગ રાજ્યો બન્યા બાદ છેલ્લા 5 વર્ષથી અહેવાલ બનાવ્યો જ નથી.






