NATIONAL

રજાના દિવસે પણ હોમવર્ક સામે અનોખો વિરોધ : કલેક્ટર ઓફિસે ધરણાં, વિદ્યાર્થીએ માગ કરી હતી કે રજાનો દિવસ તો રજા જ હોવી જોઈએ

રાજસ્થાનના ઝુંઝુનુથી એક રસપ્રદ મામલો સામે આવ્યો છે. અહીં એક વિદ્યાર્થી હોલિડે હોમવર્કનો વિરોધ કરવા લાગ્યો છે અને તેણે આ વિરોધ પણ અનોખી રીતે કર્યો છે. રવિવારે તે કલેક્ટર ઓફિસની સામે પહોંચી ગયો અને ટેબલ-ખુરશી લગાવીને ત્યાં જ હોલિડે હોમવર્ક કરવા લાગ્યો હતો. વિદ્યાર્થીએ માગ કરી હતી કે રજાનો દિવસ તો રજા જ હોવી જોઈએ. એ દિવસે શેનું હોમવર્ક. આ તો બાળકોના મૂળ અધિકારનું ઉલ્લંઘન છે.

આ વિદ્યાર્થીનું નામ પ્રાંજલ છે અને તે કેન્દ્રીય વિદ્યાલયમાં 9મા ધોરણમાં ભણે છે. તેણે કહ્યું કે રજાના દિવસે પણ સ્કૂલો દ્વારા હોલિડે હોમવર્ક આપવું એ તો બાળકોના અધિકારોનું ઉલ્લંઘન છે. તેણે કહ્યું કે આ હોલિડે હોમવર્કના વિરોધમાં દર રવિવારે સવારના દસથી બપોરના બાર વાગ્યા સુધી કલેક્ટર ઓફિસની સામે હોલિડે હોમવર્ક કરવા આવીશ અને અહીં આ જ રીતે ધરણાં કરીશ. પ્રાંજલ કહે છે કે સ્વસ્થ જીવન માટે રજા હોવી જરૂરી છે. હોલિડે શારીરિક, માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે. બાળકો માટે હોલિડે જરૂરી હોય છે જેથી તેઓ રમી શકે. તેમના રસના વિષયને સમય આપી શકે. તેનાથી બાળકોનો જ વિકાસ થવાનો છે.

પ્રાંજલની માતા અનામિકાએ પણ દીકરાને ટેકો જાહેર કર્યો અને કહ્યું કે બાળક હોય કે મોટા લોકો કે વડીલ હોય દરેક માટે રજાનો અર્થ સમાન જ હોય છે અને તેનું મહત્ત્વ પણ સમાન જ હોય છે. તેમણે કહ્યું કે મોટા લોકો તો તેમની રજા માણી લે છે. જોકે બાળકોને રજાઓમાં પુષ્કળ હોમવર્ક આપી દેવાય છે.

પ્રાંજલની માતાએ કહ્યું કે ભારતમાં શિક્ષણ સંસ્થાનો સાથે સંકળાયેલા લોકો નકારાત્મક વિચારધારા ધરાવે છે. તેઓ રજા હોય કે સ્કૂલ ટાઈમ બાળકોને ફક્ત ભણતા જ જોવા માગે છે. હોલિડે હોય તો પણ માતા-પિતા અને સ્કૂલ દ્વારા અભ્યાસ કરવા દબાણ કરાય છે. જેના લીધે બાળકો તણાવમાં રહે છે એટલા માટે આપઘાતના કેસ વધી રહ્યા છે. કોઈ એ સમજવા જ માગતું નથી કે બાળકો શું ઈચ્છે છે? અનામિકાએ કહ્યું કે આ મામલે પ્રાંજલે જિલ્લા કલેક્ટર, એસપી અને કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય સહિત અન્ય અધિકારીઓને પણ પત્ર લખ્યો હતો છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.

[wptube id="1252022"]
Back to top button