ગુજરાત યુનિવર્સિટીએ વિવિધ ફીમાં ધરખમ વધારો કર્યો, વાલીઓના ખિસ્સા પર બોજો વધશે

ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ ફીમાં વધારો ઝિંકવામાં આવ્યો છે. આ ફી વધારાને કારણે વાલીઓના ખિસ્સા પર બોજો વધશે. યુનિવર્સિટી દ્વારા વધારવામાં આવેલી ફીને જોતાં જે વિદ્યાર્થીઓ અગાઉ વિવિધ ફીમાં 1500 રૂપિયાનો ખર્ચ થતો હતો તે હવે સીધો ત્રણ ગણો વધીને 4500 થઈ ગયો છે. જેમાં માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશનની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. તેમાં માર્કશીટ વેરિફિકેશનની રૂપિયા 50 ફીનાં હવે રૂ.404 કરાયા છે. તથા ડિગ્રી વેરિફિકેશનનાં રૂ.200ની ફીની જગ્યાએ રૂપિયા 554 કરાયા છે.
ટ્રાન્સક્રિપ્ટ વેરિફિકેશન અને સીલ કવરનાં રૂપિયા 500નાં રૂ.736 કરાયા છે. તથા માઇગ્રેશન સર્ટીફીકેટનાં રૂપિયા 110ના રૂ. 452 કરાયા છે. પ્રિવિઝનલ સર્ટીફીકેટનાં રૂપિયા 200નાં 436 કરાયા છે. પહેલા વિદ્યાર્થીઓને આ તમામ પ્રકારના કામમાં રૂપિયા 1500નો ખર્ચ થતો જે હવે રૂપિયા 4500 સુધી પહોંચ્યો છે. બીજી તરફ NSUI દ્વારા ફી વધારો પાછો ખેંચવા માંગ કરવામાં આવી છે.






