
- બી.એ.પી.એસ સંસ્થા દ્વારા ભારતીય યજ્ઞ પરંપરાનું પોષણ.
- 500 થી વધુ યજમાનો સત્સંગદીક્ષા ગ્રંથની 50,000 (પચાસ હજાર) થી વધુ આહુતિ અપાઈ.
વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિમંદિરના વર્ષપૂર્તિ મહોત્સવ તથા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના દશાબ્દી મહોત્સવ નિમિત્તે સારંગપુરમાં તારીખ 26 જાન્યુઆરી,2024 ના રોજ ભવ્ય સત્સંગદીક્ષા મહાયજ્ઞનું આયોજન થયું હતું. જેનો આરંભ અક્ષરપુરુષોત્તમ મહારાજની પાલખીયાત્રા તથા દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ યજ્ઞમાં સંસ્થાના વરિષ્ઠ સંતોએ પણ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. જેમાં 66 જેટલા યજ્ઞકુંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ વૈદિક મહાપૂજા કરાવામાં આવી ત્યારબાદ આ મહાયજ્ઞમાં બી.એ.પી.એસ સંસ્થાના વર્તમાન ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સ્વહસ્તે લખેલ સત્સંગદીક્ષા ગ્રંથના 315 શ્લોકોનું ગાન પારંપરિક શૈલીથી કરવામાં આવ્યું હતું. આ ગાન સાથે ભારતના વિવિધ પ્રાંત ઉપરાંત આફિકા, લંડન વગેરે દેશ-વિદેશના 500 જેટલાં યજમાનોએ સમૂહમાં સ્વાહાના નાદ સાથે કુલ 50,000 થી વધુ આહુતિ આપી હતી. કુલ 40 જેટલા બાહ્મણો દ્વારા આ યજ્ઞ કરાવવામાં આવ્યો હતો. આ સમગ્ર યજ્ઞ દરમિયાન મંદિર પરિસરનું વાતાવરણ વૈદિક વાતાવરણની અનુભૂતિ કરાવનારું બની ગયું હતું. યજ્ઞ બાદ તમામ યજમાનો માટે મહાપ્રસાદનું પણ આયોજન થયું હતું. આ મહાયજ્ઞમાં પ્રજાસત્તાક દિનની સ્મૃતિ કરી સમગ્ર ભારત દેશ તથા વિશ્વમાં શાંતિ પ્રવર્તે તેવા શુભ સંકલ્પ સાથે પ્રાર્થના પણ કરવામાં આવી હતી. આમ આ મહાયજ્ઞ દ્વારા બી.એ.પી.એસ સંસ્થા દ્વારા અહિંસક તથા ભક્તિમય ભારતીય યજ્ઞપરંપરાનું પોષણ થયું હતું.
