INTERNATIONAL

લિબિયામાં વિનાશક વાવાઝોડા અને ત્યાર બાદ પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ, બે હાજર થી વધુના મોત

આફ્રિકા ખંડના ઉત્તરભાગમાં આવેલા દેશ લિબિયામાં વિનાશક વાવાઝોડા અને ત્યાર બાદ પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે. દેશના પૂર્વી દરિયાકાંઠાના શહેરોમાં પૂરને કારણે બે હજારથી વધુ લોકોના મોત થયા છે અને હજુ પણ હજારો લોકો લાપતા છે. લિબિયના સૈન્યએ એ સોમવારે જણાવ્યું હતું કે ડેરના શહેરમાં પૂરને કારણે 2,000 થી વધુ લોકોના મોત થયા છે અને 5,000 થી 6,000 લોકો ગુમ થયા છે. વાવાઝોડા બાદ ડેરના શહેરના ઉપરના ભાગમાં બંધાયેલા બે બંધ તૂટી પડવાને કારણે આ હોનારત સર્જાઈ છે.

પૂર્વી લિબિયા સરકારના વડા પ્રધાન ઓસામા હમાદે જણાવ્યું હતું કે પૂરને કારણે ડેરાના શહેર ખેદાનમેદાન થઇ ગયું છે. 2,000 લોકોના મોતની આશંકા છે અને હજારો લોકો ગુમ છે. ભૂમધ્ય સાગરમાં આવેલ વાવાઝોડા ડેનિયલના કારણે તટવર્તી શહેર ડેરનાને ડિઝાસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યું છે.

પૂર્વી લિબિયા સરકારના વડા પ્રધાન ઓસામા હમાદે સોમવારે ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી અને દેશભરમાં ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે તેમની સરકારે શનિવારે જ કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. વાવાઝોડા પહેલા સાવચેતીના ભાગરૂપે શાળાઓ બંધ કરવામાં આવી હતી.

ડેરનાના સ્થાનિક પ્રશાસનને મીડિયાને જણાવ્યું હતું કે શહેરના ઉપરના ભાગમાં આવેલા બે ડેમ તૂટી ગયા હતા. ડેરના શહેર પર્વતોથી ઘેરાયેલું છે. ડેમના તૂટી પડવાને કારણે શહેરમાં 330 લાખ ઘનમીટર પાણી ધસમસતા વેગે પ્રવેશ્યું હતું, જેના કારણે આ તારાજી સર્જાઈ હતી.

લિબિયાના રેડ ક્રેસન્ટ ગૃપના અધિકારીએ જણાવ્યું હતું કે શહેરમાં તેમના લોકોનો સંપર્ક નથી થઇ રહ્યો. પૂરને કારણે હજારો લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. શહેરોમાં હજારો ઘરો અને અન્ય સંપત્તિઓ નાશ પામી છે. ડેરનામાં વીજળી અથવા સંચાર સેવાઓ ખોરવાઈ ગઈ છે.

ભૂમધ્ય સાગરમાંથી ઉઠેલા હરિકેન ડેનિયલે રવિવાર અને સોમવારે બેનગાઝી, સુસા, બાયદા, અલ-મર્જ અને ડેરના શહેરોને અસર કરી હતી. ડેરના સિવાય પૂર્વી શહેર બાયદામાં 12 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. ઉત્તર-પૂર્વ લિબિયાના સુસા શહેરમાં 7 લોકોના મોત થયા છે. શાહત અને ઓમર અલ-મોખ્તાર શહેરમાં અન્ય સાત લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button