INTERNATIONAL

રશિયા-યૂક્રેન યુદ્ધમાં 274 નેપાળી ગુમ હોવાનો દાવો, આ યુધ્ધમાં 33 નેપાળી નાગરિકોએ જીવ ગુમાવ્યા

વધુ 16 નેપાળી યુવકોએ ગુમાવ્યો જીવ,

રશિયા અને યુક્રેન વચ્ચેના જંગમાં નેપાળી નાગરિકો મોટી સંખ્યામાં જીવ ગુમાવી રહ્યા છે. રશિયા વતી લડવા માટે રશિયન સેનામાં ભરતી થયેલા નેપાળી યુવકોના મોતની સંખ્યા લગાતાર વધી રહી છે. લેટેસ્ટ મામલામાં 16 નેપાળી યુવકો રશિયા-યુક્રેન યુધ્ધમાં મોતને ભેટયા હોવાની જાણકારી સામે આવ્યા બાદ નેપાળમાં હાહાકાર મચી ગયો છે. અત્યાર સુધીમાં આ યુધ્ધમાં 33 નેપાળી નાગરિકોએ જીવ ગુમાવ્યા છે.

પરંપરાગત રીતે નેપાળી નાગરિકો અને ખાસ કરીને ગોરખાઓ ભારતીય સેનામાં ભરતી થતા હોય છે પણ ભારતીય સેનાની અગ્નિવીર સ્કિમના વિરોધમાં નેપાળની સેનાએ ભારતીય સેનામાં ગોરખાઓની ભરતી પર રોક લગાવી રાખી હોવાથી નેપાળી યુવકો રશિયાની સેનામાં જોડાઈ રહ્યા છે.

નેપાળની સરકારે હવે ફરી એક વખત રશિયા વતી જંગમાં કુદેલા નેપાળી યુવકોને વતન પરત ફરવા માટે અપીલ કરી છે અને માર્યા ગયેલા નેપાળી લોકોના પરિવારના ડીએનએ સેમ્પલ એકઠા કરીને રશિયા મોકલવાની જાહેરાત કરી છે. જેથી જીવ ગુમાવનારા લોકોની ઓળખ થઈ શકે.

નેપાળના વિદેશ મંત્રાલયે પહેલા જ સ્પષ્ટતા કરી દીધી છે કે, જે દેશ સાથે કરાર થયા છે તે જ દેશની સેનામાં પોતાના નાગરિકોને જોડાવાની મંજૂરી આપશે. બીજી તરફ 200થી વધારે નેપાળી પરિવારોએ પોતાના પરિવારના સભ્યોને પાછા લાવવા માટે નેપાળ સરકારને અરજીઓ કરેલી છે.

એક આંકડા પ્રમાણે હાલમાં 620 જેટલા નેપાળી નાગરિકો રશિયન સેનામાં ફરજ બજાવી રહ્યા છે. અત્યાર સુધી 116 નેપાળીઓ ઘાયલ થયા છે અને 274નો કોઈ અતો પતો નથી.નેપાળના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર અને વિદેશ મંત્રીએ તો રશિયન સરકાર સમક્ષ આ મુદ્દો પણ ઉઠાવેલો છે અને રશિયામાં મોતને ભેટેલા લોકોના મૃતદેહ નેપાળ પાછા લાવવામાં, પરિવારજનોને વળતર આપવામાં અને રશિયામાં કામ કરી રહેલા તમામ નેપાળી સૈનિકોને પાછા મોકલવા માટે રશિયાની સરકાર પાસેથી સહયોગની માંગણી કરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button