મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં આખરે ઓરેવાના માલિક જયસુખ પટેલ સામે ધરપકડ વોરંટ ઈશ્યુ

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં આખરે ઓરેવાના માલિક જયસુખ પટેલ સામે ધરપકડ વોરંટ ઈશ્યુ
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં આખરે ઓરેવાના માલિક જયસુખ પટેલ સામે ધરપકડ વોરંટ ઈશ્યુ થયું છે, આ વોરંટ 21 જાન્યુઆરીએ ઈશ્યુ થયું છે. આ વોરંટ બાદ જયસુખ પટેલ પર ધરપકડની લટકતી તલવાર છે. પોલીસ ગમે ત્યારે તેની ધરપકડ કરી શકે છે.

મોરબીનો ઝૂલતો પૂલ યોગ્ય રીતે મરમ્મત કર્યા વગર કે સેફ્ટી તપાસ્યા વગર અને સલામતિના નિયમોનું ઉલ્લંઘન કરવાથી તા.30-10-2022ના તૂટી પડતા 135 માસુમોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ ઘટનામાં પહેલેથી જ પ્રથમ નજરે જ જવાબદાર જણાતા જયસુખ પટેલને આજ સુધી પોલીસે પકડેલ નથી ત્યારે હવે તેની ધરપકડ કરવા અદાલત દ્વારા વોરંટ ઈશ્યુ કરાયું છે.
અજંતા મેન્યુફેક્ચરર્સ પ્રા.લિ. ઓરેવા ગુ્રપને આ ઝૂલતો પૂલ સોંપવા મોરબી સુધરાઈ દ્વારા શંકાસ્પદ શરતો સાથેના કરાર કરાયા હતા અને જયસુખ પટેલે પોતે જ પરિવાર સાથે આ પૂલને નૂતન વર્ષમાં ખુલ્લો મુકી દીધો હતો. પૂલની બરાબર મરમ્મત કરવાની જવાબદારીમાં ઘોર બેદરકારી દાખવાતા અને ઘટનાના દિવસે પૂલની ક્ષમતા જોયા જાણ્યા વગર તેના ઉપર લોકોને જવા દેવાતા તૂટી પડયો હતો.પોલીસે સાંજે બનેલી ઘટનામાં મોડીરાત્રિના ફરિયાદ નોંધી અને ત્યારબાદ આજે બે માસ અને 22 દિવસનો સમય પસાર થઈ જવા છતાં જયસુખ પટેલને પકડવા, અટકાયત કરીને પુછપરછ કરવાની કાર્યવાહી નહીં કરાતા લોકોમાં અનેક સવાલો જાગ્યા છે.








