
ટોક્યો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયાએ ફરી એકવાર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા અને ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ સિંહ સામે મોરચો માંડ્યો છે. તેમણે કહ્યું કે, અમે રાજધાની દિલ્હીના જંતર-મંતર પર ફરી ધરણા પર બેઠા છે અને જ્યાં સુધી WFI પ્રમુખની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમારો વિરોધ જારી રહેશે. બીજી તરફ 7 મહિલા કુસ્તીબાજોએ કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જોકે હજુ સુધી એફઆઈઆર નોંધાઈ નથી.
દિલ્હી મહિલા આયોગ (DCW) ના અધ્યક્ષે મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીના મામલામાં FIR નોંધવા માટે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે. મહિલા કુસ્તીબાજોએ આયોગને ફરિયાદ કરી છે કે તેઓએ 2 દિવસ પહેલા દિલ્હી પોલીસને લેખિત ફરિયાદ આપી હતી, પરંતુ હજુ સુધી FIR નોંધવામાં આવી નથી.
ભારતીય કુસ્તી ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીના આરોપ ખેલ મંત્રાલયે આ આરોપના તપાસ માટે સાત સભ્યોની એક કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીએ પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કુસ્તીબાજો આજે સાંજે 4 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે.
ઉલ્લેખનીય છે કે, ગત જાન્યુઆરી માસમાં રાજધાની દિલ્હીના જંતર-મંતર પર વિનેશ ફોગટ સહિતના પહેલવાનોએ ભાજપના સાંસદ અને ભારતીય કુસ્તી ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યા હતા અને હકાલપટ્ટી કરવાની માંગ સાથે ધરણા પર બેઠા હતા ત્યારે હવે ફરી એકવાર કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ સામે મોરચો ખોલવવાની તૈયારી શરૂ કરી છે.










