તા.૯/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
ધોરાજીનાં પાટણવાવનાં રૂદ્ર પેથાણીએ ગોલ્ડ મેડલ જીતી વગાડ્યો ભારતનો ડંકો
Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનાં મૂળ પાટણવાવ ગામનાં રૂદ્ર પેથાણીએ તાજેતરમાં તા. ૦૧ થી ૦૮ ડીસેમ્બર સુધી બેંગકોક, થાઇલેન્ડ ખાતે યોજાયેલ ૨૦મી ઇન્ટરનેશનલ જૂનિયર સાયન્સ ઓલમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતી ભારતનો ડંકો વગાડ્યો છે. આ સ્પર્ધામાં ભારતને ૦૫ ગોલ્ડ મેડલ અને ૦૧ સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે.
આ ઓલમ્પિયાડ માટે ભારતમાંથી ૦૬ વિદ્યાર્થીઓનું સિલેકશન થયું હતું, જેમાં રૂદ્રને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થતાં પરિવારમાં ખુશી છવાઈ છે.
આ તકે ગામના સરપંચશ્રી પ્રવિણભાઈ પેથાણીએ રૂદ્રને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, આ ખુશીની ક્ષણ પેથાણી પરીવાર તથા ભારત માટે ગૌરવવંતી ક્ષણ છે. રૂદ્રએ તેના પિતા ડો.કૌશિક પેથાણી તથા માતા ડો. હીના પેથાણી અને સમગ્ર પરિવારની સાથે સાથે પાટણવાવ, ગુજરાત અને ભારતનું નામ દુનિયાભરમાં રોશન કર્યું છે.
ઉલ્લેખનિય છે કે, હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશન (HBCSE) ઓલિમ્પિયાડ કાર્યક્રમ માટે દેશનું નોડલ કેન્દ્ર છે, જે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સ્પર્ધા માટે ૧૩ થી ૧૫ વર્ષ વચ્ચેના વિદ્યાર્થીઓની ભારતીય ટીમ પસંદગી કરી તાલીમ આપે છે. આ સ્પર્ધામાં જુદા જુદા ૫૪ દેશોમાંથી ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.








